Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

મહેસાણાના સતલાસણામાં ખેતરમાં આગ ભભૂકતા ગાય-ભેંસ મોતને ભેટ્યા

મહેસાણા:જિલ્લાના સતલાસણા ગામે નજીકના ખેતરમાં બપોર દરમિયાન અચાનક આગ લાગતા ખેત મજુરનું કાચું મકાન ભસ્મીભુત થઈ ગયું હતું. આ સાથે ગાય-ભેંસ પણ આગની લપેટમાં આવતા મોત નિપજ્યું હતું. કાચા મકાનમાં કોઈ ઉપસ્થિત ન હોવાથી જાનહાનિ ટળી હતી. શોર્ટસર્કિટથી આગ લાગ્યાના પ્રાથમિક અનુમાન વચ્ચે તંત્રએ આગળની કાર્યવાહી કરી હતી. સતલાસણા નજીક પોલિટેકનિક જતા રસ્તા ઉપર આવતા ખેતરમાં બપોરે ૨ થી ૩ વાગ્યાના અરસામાં આગ લાગ્યાની જાણ થતા સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. ખેતરમાં ભાગીયા તરીકે રહેતા પરિવારના કાચું મકાન સળગતા ઘરવખરી સહિતનો માલસામાન ભસ્મીભુત થઈ ગયો હતો. આગની જ્વાળાઓ જોતજોતામાં નજીક બાંધેલી ગાય અને ભેંસને લપેટમાં લેતા બંને પશુઓના મોત નિપજ્યા હતા. આગ લાગવાના કારણો તપાસતા તંત્રની ટીમે શોર્ટ સર્કિટથી બન્યું હોવાનું પ્રાથમિક અનુમાન માન્ય રાખ્યું હતું. બનાવને પગલે સ્થાનિક ફાયર ફાયટરની ટીમે ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

 


 

(6:24 pm IST)