Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પેટલાદ તાલુકાના ધર્મજની સીમમાંથી ભેદી સંજોગોમાં યુવાનની લાશ મળી આવતા ચકચાર

પેટલાદ: તાલુકાના ધર્મજ ગામની સીમમાંથી પસાર થતી વિરોલ-ખંભાત નહેરમાંથી આજે સવારના સુમારે એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર પેટલાદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ અંગે હત્યા અને પુરાવાના નાશનો ગુનો દાખલ કરીને મરણ જનાર યુવાનના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  પ્રાપ્ત વિગતો અનુસાર ધર્મજ ગામના ચરામાંથી વિરોલ-ખંભાત કેનાલ પસાર થાય છે. આજે સવારના સાતેક વાગ્યાના સુમારે ધર્મજ ગામના ગૌચરના આંબાવાડીયામાં વાંદરા નશાડવાનું કામ કરતાં રમણભાઈ રાવજીભાઈ ઠાકોરે પાણી વગરની કેનાલમાં એક યુવાનની માથામાંથી લોહી નીકળતી હાલતમાં લાશ જોતાં જ તેણે નજીકમાં આવેલા ગ્રામપંચાયત હસ્તકના સુરજબા પાર્કના ક્લાર્ક દિનેશભાઈ મંગળભાઈ પટેલને જાણ કરી હતી જેથી તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ તુરંત જ પેટલાદ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ કરતાં યુવાન મરણ પામ્યો હતો. તેના મોઢાના ભાગે તથા માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી.

 

પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે પેટલાદની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી અને દિનેશભાઈની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ રામદેવસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર મરણ જનાર યુવાન ૩૦ થી ૩૫ વર્ષની વયનો છે અને તેણે કાનમાં કડી પહેરી છે. જમણા હાથના કાંડામાં લાલ દોરો, ગોલ્ડન કલરની લક્કી, ક્રિમ કલરનો કાબરચીતરો શર્ટ, ભુરા કલરનું પેન્ટ પહેર્યું છે. જમણા હાથના કાંડા ઉપર ઓમ દોરેલ છે. અંગ્રેજીમાં બીએમ તથા જાન ત્રોફાવેલું છે. સાથે સાથે અંગ્રેજીમાં મોટો એમ પણ કોતરાવેલ છે. ડાબા હાથના કાંડામાં કડુ પણ પહેરેલુ છે. આ વર્ણનના આધારે પોલીસે તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે.

(6:22 pm IST)