Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

હાઇકોર્ટમાં રાજ્ય સરકારે મધ્યમ વર્ગના વાલીઓના હિતમાં નક્કર રજૂઆત કરતા અમને સફળતા મળીઃ સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગરઃ રાજ્યની સ્વનિર્ભર શાળાઓના ફી નિયમન સંદર્ભે સુપ્રિમ કોર્ટે શાળાઓના ફી નિયમન માટે રાજ્ય સરકારના અધિકારને માન્ય રાખતા આપેલા વચગાળાના આદેશને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકાર આપ્યો છે. આ વચગાળાના આદેશને આવકારતા ચુડાસમાએ જણાવ્યું છે કે, ફી નિયમન બાબતે રાજ્ય સરકાર વાલીઓના હિતમાં કાનૂની લડત લડી રહી છે, આ બાબતે રાજ્ય સરકાર કટિબધ્ધ પણ છે અને આ કટિબધ્ધતા પણ સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશથી સ્પષ્ટ થાય છે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે મધ્યમ વર્ગના વાલીઓના હિતમાં નક્કર રજૂઆત કરતાં અમને સફળતા મળી હતી.

રાજ્યની શાળાઓના ફી નિયમન અંગે સુપ્રિમ કોર્ટે શાળાઓનું ફી નિયમન કરવાનો રાજ્ય સરકારને અધિકાર છે. તે બાબતને તેના વચગાળાના આદેશમાં સ્પષ્ટ કરી છે. તેમ ચુડાસમાએ જાણાવી ઉમેર્યું હતું કે, ફી નિયમન કાર્યવાહી સંબધે સુપ્રિમ કોર્ટે જે સૂચના આપી છે. તે મુજબ રાજખ્ય સરકાર તમામ બાબતે સમયબધ્ધ રીતે યોગ્ય કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે શાળા ફી નિયમન મુદે સરકારના ડબલ સ્ટાન્ડર્ડને કારણે વાલીઓમા ભારે રોષ છે અને વાલીઓએ આક્ષેપ પણ કર્યો હતો કે રાજ્ય સરકાર શિક્ષણ માફિયાઓને છાવરવા માટે સતાનો ગેર ઉપયોગ કરી રહી છે. અને શિક્ષણના નામે મોટા પાયે ફી ઉઘરાવીને ઉઘાડી લૂંટ ચલાવે છે. વાલીઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા જ્યાં પણ તેમને કોઇ સંતોષકારક નિર્ણય મળ્યો નથી જેથી હવે આ મુદે વાલીઓ માટે મુશ્કેલી વધી ગઇ છે. તો શાળાઓના સંચાલકો નિયત ફીના કાયદાને ઘોળી પી જઇને વાલીઓ અને વિધાર્થીઓ સાથે રીતસરનું ગેરવર્તન કરવામાં આવે છે અને કેટલીક શાળાના સંચાલકો તો વિદ્યાર્થીઓને રિઝર્ટ પણ નથી આપ્યા ત્યારે હવે ફરીથી શિક્ષણ મંત્રીએ આલોપેલો રાગ એક લોલીપોપ જેવો હોવાનું વાલીઓ માની રહ્યા છે.

કહેવાય છે કે રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ અને ઘારાસભ્યો પણ ઘણી મોટી શાળાઓ સાથે સંકળાયેલા છે અને જો સરકાર ફી નિયમન મુદે આકરા પગલા લે તો તેમને જ નુકશાન જાય તેમ હોવાથી સરકાર ડબલ સ્ટાન્ડર્ડ રાખીને વાલીઓને લોલીપોપ આપે છે અને શાળા સચાલકો સાથે કુણુ વલણ રાખે છે.

(5:58 pm IST)