Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યે ચીફ ઓફિસરને ફડાકો ઝીંકી દીધોઃ ધારાસભ્યે કિરીટ પટેલે પણ અપશબ્દો કહ્યા

પાટણઃ પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ચીફ ઓફિસરને લાફો માર્યાની ઘટના બની છે. ચીફ ઓફિસરને લાફો માર્યાની ઘટનાનો વીડિયો ભારે વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય ચંદનજી ઠાકોરના ઘરે સામાજીક પ્રસંગ હતો.

પ્રસંગ દરમિયાન પાણીની ફરિયાદને પગલે ચીફ ઓફિસર અને એન્જિનિયર તેમના ઘરે ગયા હતા. જ્યાં ધારાસભ્ય અને ચીફ ઓફિસ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી. તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ધારાસભ્ય ચંદનજી ઠાકોર ભાન ભૂલ્યા હતા. અને ઉશ્કેરાઇને ચીફ ઓફિસરને લાફો મારી દીધો હતો. આ ઉપરાંત સ્થળ ઉપર હાજર કિરિટ પટેલે પણ ચીફ ઓફિસરને ગાળો બોલી હોવાનું પણ સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આ અંગે ચીફ ઓફિસર કંઇ પણ બોલવા માંગતા નથી જોકે, આ ઘટનાથી પાલિકાના કર્મચારીઓ ચીફ ઓફિસરની પડખે ઊભા થયા છે. ચીફ ઓફિસરના બચાવમાં પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે.

ધારાસભ્યની દાદાગીરી સામે પાલિકાના કર્મયારીઓ ન્યાયની માગણી સાથે હડતાળ ઉપર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, પાલિકાના કર્મચારીઓની હડતાળના પગલે પાલિકાની તમામ શાખાનું કામકાજ બંધ રહ્યું હતું. શાખાના રૂમના દરવાજે તાળા લટકી રહ્યા છે.

(5:28 pm IST)