Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગુજરાતના સ્થાપના દિનની ભરૂચમા ત્રણ દિવસ ભવ્ય ઉજવણી : કાલથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં વિવિધ કાર્યક્રમો

લેસર શૉ, મશાલ માર્ચ, સાહિત્ય કલા સંમેલન, કાવ્ય સંમેલન:અને વિકાસ કામોના લોકાર્પણ - ખાતમૂહુર્ત કાર્યક્રમો

 

અમદાવાદ :પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસની ભરૂચમાં ત્રણ દિવસ ભવ્ય ઉજવણી કરાશે રાજ્પાલ ઓ પી કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થયેલ છે આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ વર્ષે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ત્રણ દિવસ અગાઉથી એટલે કે 28 એપ્રિલથી શરૂ થઈ જશે. . જેમાં લેસર શૉ, મશાલ માર્ચ, સાહિત્ય કલા સંમેલન, કાવ્ય સંમેલન જેવા લોકરંજક કાર્યક્રમો અને વિકાસ કામોના લોકાર્પણ - ખાતમૂહુર્ત કાર્યક્રમો યોજાશે.

   ગુજરાત સ્થાપના દિને મહત્વની ત્રણ યોજનાઓનો શુભારંભ કરાનાર છે. રાજ્યમાં જળસંચય માટે જનજાગૃતિ કેળવાય તથા લોકો જોડાય તે આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૧૮નું આયોજન કરાયું છે. અંકલેશ્વર તાલુકાના ૨૭ હેક્ટરમાં ફેલાયેલા કોસમડા તળાવને ઉંડું કરાવવાની કામગીરીમાં મુખ્યપ્રધાન પોતે શ્રમ દાન કરીને કરાવશે. જેના દ્વારા ૭૨ હજાર ઘનમિટર માટી નીકળશે તે ખેડૂતોના ખેતરમાં પૂરી પડાશે. આના લીધે ૧.૨૫ લાખ ઘનમિટર વધુ પાણી સંગ્રહ થશે. આ અભિયાન હેઠળ જનભાગીદારથી થકી રાજ્યભરમાં અંદાજે ૮,૦૦૦ જેટલા તળાવ ઉંડા કરવા સહિત ૨૭ જિલ્લામાં ૧૩૬૮ જેટલા ચેકડેમ, તળાવો, ખેત તલાવડીના મરામત કામો, ૩૩ જિલ્લાની અંદાજે ૩૩૦ કિ.મી. લંબાઇની નદીઓને પુનંજીવીત કરવાનું આયોજન છે. રાજ્યમાં ૨.૭૪ લાખથી વધુ ખેત પત્થર ચેકવેલ, કોતર અને ગ્રાઉન્ડ વોટર રીચાર્જના કામો હાથ ધરાશે.

   ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અંતર્ગત મંત્રી મંડળના સભ્યો ગામડાઓમાં જઇને રૂ.૧૯૧.૭૬ કરોડના ૧૪૫૦ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત તેમજ નવા વિકાસ કામોની જાહેરાત કરશે. જેમાં રૂ.૬૦.૬૫ કરોડના ૧૪૬ કોમોનું લોકાર્પણ, રૂ.૨૬.૫૯ કરોડના ખર્ચે ૧,૨૩૦ કામોના ખાતમુહુર્ત તેમજ રૂ.૧૦૪.૫૦ કરોડના ખર્ચે નવા ૭૪ વિકાસ કામોની મંજૂરીની જાહેરાતનો સમાવેશ થાય છે.

કબીરવડ-શુકલતીર્થને રૂ. ૩૯=૬૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરાવાશે. વૃક્ષારોપણ તથા નર્મદા નદીનું સફાઇ અભિયાન ૮ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરાશે જે ૭ દિવસ ચાલશે.

  મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ આજ દિવસે કરાશે. આ યોજના થકી અનેક યુવાનોને રોજગારીની તકો સાંપડશે. જેમાં સ્નાતક યુવાનોને માસિક રૂ.૩,૦૦૦, ડિપ્લોમા ધારક યુવાનોને રૂ.૨,૦૦૦ અને અન્ય યુવાનોને માસિક રૂ. ૧,૫૦૦ સહાય અપાશે. ભરૂચ જિલ્લામાં ઉદ્યોગગૃહોને સાથે રાખીને આ યોજના હેઠળ ૫ હજાર યુવાઓને આવરી લેવાશે.

 

(6:19 pm IST)