Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ઉમરાહ કરી હજ કરવા જનારા લોકો માટે સાઉદી સરકારનું ફરમાન અસહ્ય

ફેરવિચારણાની માંગઃ લોકોને ૨ હાજર રિયાલ વધારે ભરવાનું ફરમાન

અમદાવાદ તા.૨૭: સઉદી સરકારે નવો કાયદો બનાવી જે વ્યીકતએ જીવનમાં એકવાર પણ હજ કે ઉમરાહ કર્યા હોય અને તેઓ ફરી જવા માંગતા હોય તેવા તમામ લોકોએ ચાલુ વર્ષથી બે હાજર સઉદી રિયાલ એટલે કે લગભગ રૂ. ૩૫,૨૦૨ વધારે ચૂકવવાના રહેશે તેવા કરેલા ફરમાનનો ગુજરાત રાજય હજ કમિટીના ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ ઉગ્ર વિરોધ નોંધાવી સઉદી એમ્બેસેડર, હજ કમિટી ઓફ ઇન્ડિયા, લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સહિતના સત્તાધિશોને પત્રો પાઠવીપુનઃ વિચારણા કરવા જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છેકે નાની નાની બચત કરીતે હજ માટે મક્કા-મદીના જવા માંગતા હાજીઓ માટે ખુબ જ દુઃખદ સમાચાર છે. તેમણે આ અંગે નારાજગી વ્યકત કરીને સઉદી ખાતેના ભારતીય એમ્બેસેડર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. અને આ અંગે ફેર વિચારણા કરવા સઉદી સરકાર સાથે આ મુદે હાથ ધરવા તેઓને વિનંતી કરેલ છે. ચેરમને પ્રો. કાદીરના જણાવ્યા અનુસાર ઉમરાહ કર્યા બાદ નાની બચત કરીને જીવનમાં એક વખત હજ પઢવા જવા માંગતા હાજીઓ માટે પણ આ નિયમ આઘાતજનક બનશે. અને અસંખ્ય હાજીઓ વધારાની આટલી મોટી રકમ ભરી નહી શકવાના કારણે પોતાની અરજી રદ કરવા મજબુર બનશે અને પવિત્ર હજ યાત્રાએ જઇ શકશે નહીં જે દુઃખદ બાબત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અસંખ્ય લોકો હજ અગાઉ ઉમરાહ કરી આવ્યા હોય છે. કેટલાક મોટેરાઓ તેમના બાળકોને ઉમરાહમાં લઇ જતા હોય છે હવે આવા બાળકો મોટા થઇ હજ કરવા જાય તો તેમણે એવો કયો ગુનો કર્યો કે વધારાના રૂ. ૨ હજાર સઉદી રિયાલ ભરવા પડે? એકવાર હજ કરીને આવ્યા બાદ બીજીવાર હજ કરવા જતા હાજીઓ પાસેથી વધારે રકમ વસુલે એ એકવાર સમજી શકાય પરંતુ તે રકમ પણ વ્યાજબી હોવી જોઇએ.

(11:33 am IST)