Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

મહેમદાવાદના કરોલી ગામે કેનાલમાં ગાબડું પડતા પાકને ભારે નુકશાન:ખેડૂતોની હાલત કફોડી

નડિયાદ : ખેડા જિલ્લાના ખેડૂતોને એક પછી એક કુદરતી મારનો સામનો કરવો પડી રહ્યો છે. છાસવારે થતાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે. ત્યારે મહેમદાવાદ તાલુકાના કરોલી ગામની સીમમાં આવેલ કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં ખેતરોમાં પાણી ઘૂસી જતા લગભગ ૭૦ વિઘામાં કરેલ પાકને ભારે નુકશાન થયું છે.

મહેમદાવાદ તાલુકાના કરોલીના હર્ષદપુરા સીમ વિસ્તારમાંથી સિંચાઇ વિભાગની કેનાલ પસાર થાય છે. કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં ખેતરોમાં પાણી ઘુસી જતાં અફડાતફડી મચી ગઇ હતી અને કેનાલના પાણી ઘુસી જતાં અંદાજિત ૭૦ વિઘા જેટલી જમીનમાં પકવેલ ઘઉં સહિત વિવિધ પાકનું ભારે નુકસાન થયું છે. 

કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુક્સાન થયુ હોવાની જાણ થતાં તાત્કાલિક સિંચાઇ ખાતાના ઈજનેરો સહિત અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ સ્થળ પર પહોંચી જાણકારી મેળવી હતી. તેમજ ગાબડું પૂરવા તાત્કાલિક કામગીરી શરૂ કરાવી હતી. કેનાલમાં ગાબડું પડતાં ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે જેથી ખેડૂતોએ પલળી ગયેલ પાકનું વળતર આપવા માંગણી કરી છે.

(7:15 pm IST)