Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વિસનગરના ખેડૂત પુત્ર નીરવ ચૌધરીના કરોડરજ્જુનું જટીલ ઓપરેશન કરી નવજીવન આપતા નુતન જનરલ હોસ્‍પિટલના તબીબો

17 વર્ષીય નીરવ ઘણા સમયથી ગંભીર બિમારીથી પીડાતો હતો

અમદાવાદ: મહેસાણાના વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ 17 વર્ષથી પીડાતા ખેડૂત પુત્ર નીરવ ચૌધરીની સર્જરી કરીને તેને નવજીવન આપ્યું હતું. ધોરણ 10 માં અભ્યાસ કરતો 17 વર્ષીય નીરવ ગંભીર પ્રકારની પીડામાંથી મુક્ત થયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન જે.પી. મોદીએ કરોડરજ્જુની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્ણ પાર પાડી હતી.

ખાનગી હોસ્પિટલમાં 3 થી 5 લાખના ખર્ચે થતી આ જટીલ સર્જરી આયુષ્યમાન કાર્ડ હેઠળ ખેડૂત પરિવારના દીકરાને સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવાઈ હતી. મહેસાણાના સતલાસણા તાલુકાના તાલાગઢ ગામમાં રહેતો નીરવ ચૌધરી જન્મથી જ કરોડરજ્જુમાં વિકૃતિ અને લાંબા સમયથી ચાલવામાં તકલીફ સાથેની પીડાથી પીડાઇ રહ્યો હતો. ત્યારે નીરવ ચૌધરીના પિતા ગામમાં ખેતીકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. મધ્યમ વર્ગના આ પરિવારે દીકરાને સાજો કરવા અને તેને પીડા મુક્ત કરવા માટે અમદાવાદ અને પાલનપુરના અનેક તબીબોને બતાવ્યું હતું. પરંતુ તેમને નિરાશા હાથ લાગી હતી.

ત્યારબાદ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે ઓર્થોપેડીક વિભાગના એચ.ઓ.ડી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ અને જાણીતા સ્પાઈન સર્જન ડો.જયપ્રકાશ મોદી પાસે પહોંચ્યા હતા. જ્યાં કિશોરની યોગ્ય તપાસ કરી એક્સ-રે જોયા બાદ દર્દીને કાઇફોસ્કોલિયોસિસની વિકૃતિ અને તેના માટે સર્જરીની જરૂરિયાત વિશે સમજાવવામાં આવ્યું હતું અને કોબ્સ એંગલ 2 ડીગ્રી અને AP10 ડીગ્રી લેટરલમાં માપવામાં આવ્યો હતો.

વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ 17 માર્ચે ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરીના 2 દિવસમાં જ ચાલવાનું શરૂ કર્યું છે. ખાનગી હોસ્પિટલોમાં આવી સર્જરી માટે 3 લાખ થી 5 લાખ સુધીનો ખર્ચ થતો હોય છે જે અહી તદ્દન મફત કરવામાં આવી છે. દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોએ સારવાર માટે ડોક્ટરની ટીમ તેમજ હોસ્પિટલનો તંત્રનો આભાર માન્યો હતો.

(6:02 pm IST)