Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદમાં ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી

NOC વગર ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ સામે મંગળવારથી કડક કાર્યવાહી : અનેક હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદ શહેરમાં ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જ્યારે કે NOC વગર ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ સામે મંગળવારથી કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં અનેક હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ થયો છે

 .અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતામાં હોસ્પિટલથી લઈને વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. તેમ છતાં અનેક એકમો ફાયર એનઓસી વગર ધમધમતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં કુલ 1 હજાર 852 હોસ્પિટલ પૈકી ફક્ત બારસો હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી છે. જ્યારે કે 450થી વધુ હોસ્પિટલો પાસે ફાયર ઓનઓસી નથી. ત્યારે હવે ફાયર વિભાગે શહેરની કુલ 150 જેટલી હોસ્પિટલને નોટિસ ફટકારી છે. સાથે જ અન્ય હોસ્પિટલને પણ નોટિસ આપવાની કામગીરી શરૂ કરાઇ છે.બીજી તરફ અમદાવાદમાં મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝ પાસે ફાયર એનઓસી ન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદમાં કુલ 17 હજાર 500 ઇન્ડસ્ટ્રીઝ પૈકી 15 હજારથી વધુ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફાયર એનઓસી નથી. જ્યારે કે 1 હજાર 100 હોટલ-રેસ્ટોરન્ટ પૈકી 295 પાસે ફાયર એનઓસી નથી. વક્રતા એ છે કે ફાયર એનઓસી ન હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવા પૂરતો સ્ટાફ પણ નથી.

(12:53 am IST)