Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા લોકોમાં ફફડાટ : ટેસ્ટિંગ બથ પર લોકોની લાગી કતાર

2 દિવસની રજા દરમિયાન પણ ટેસ્ટિંગ માટે ડોમ ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે, વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે શહેરના અંકુર ચાર રસ્તા પાસે કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે આવી પહોંચ્યા હતા.

શહેરમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જો કે, એએમસી દ્વારા ટેસ્ટિંગ ડોમમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજે શહેરના અંકુર ચાર રસ્તા પાસે કોરોના ટેસ્ટિંગ ડોમમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટિંગ કરાવવા માટે આવી રહ્યા હતા. અંકુર ચાર રસ્તા પાસે આવેલ ટેસ્ટિંગ ડોમ પાસે પણ 60-70 લોકોની લાઈન લાગી હતી. કેસ વધતા લોકો ડરના કારણે ટેસ્ટ કરાવવા માટે ઉમટ્યાં હતા. શનિ-રવિની રજા અને હોળી- ધૂળેટીનો તહેવાર છે, છતાં પણ લોકો ટેસ્ટ કરવા માટે આવી રહ્યા છે. 2 દિવસની રજા દરમિયાન પણ ટેસ્ટિંગ માટે ડોમ ચાલુ રાખવામાં આવશે. જેથી 2 દિવસ દરમિયાન લોકો વધુ ટેસ્ટ કરાવે તેવી પણ શક્યતા રહેલી છે.

અમદાવાદ શહેરમાં રોકેટની ગતિએ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. જેથી સરકાર આગામી સમયમાં આવનારા તહેવાર હોળી અને ધૂળેટીને લઈ એએમસી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરના ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે સોસાયટીમાં એક સાથે ભેગા થઈ પાણી કે કલરથી હોળી રમવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધી રહેલા કેસને લઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરમાં વધી રહેલા કેસને લઈ લોકોને સાવચેતી રાખવા માટેની અપલી કરવામાં આવી રહી છે. ત્યારે હોળી અને ધૂળેટીને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈન પ્રમાણ જ ઉજવવામાં આવશે. શહેરની તમામ કલબ,પાર્ટી પ્લોટ, સમાજની વાડી,મોટા મંદિરો,હવેલીઓમાં ફુલ અને કલરથી રમાવામાં આવતી હોળી અને તમામ સરકારી તેમજ પ્રાઈવેટ સ્વીમિંગ પૂલ બંધ રાખવામાં આવશે. આ સાથે મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં ટોળે વળી પાણી કે કલરથી હોળી રમીને કરાતી ઉજવણી પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. જોકે, જાહેર રસ્તા પર પણ હોળી રમી શકાશે નહીં અને ટોળા વળીને પૈસા ઉધરાવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં હાલ કોરોના વાયરસની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં આવનારા તમામ લોકોએ 72 કલાકની અંદર RT-PCR ફરજિયાત કરાવવાનો રહેશે.અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 612 કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે.

(12:35 am IST)