Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજયના જંગલોમાં છેલ્લાં 3 વર્ષમાં 3000થી વધુ આગના બનાવો બન્યા હોવાનો ઘટસ્ફોટ

આગમાં માત્ર 48 વુક્ષોનો જ નાશ થયો હોવાનો સરકારનો દાવો

અમદાવાદ : રાજ્યના જંગલોમાં પણ આગના બનાવો બને છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન 3031 આગના બનાવો નોંધાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે,એટલે કે દર વર્ષે રાજયના જંગલોમાં એક હજારથી વધુ બનાવો બને છે. જો કે આગની હોનારતોમાં કોઇ પ્રાણી કે પક્ષીનો નાશ થયો નથી. પરંતુ 48 વૃક્ષોનો નાશ થયો હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો છે.

ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારાએ છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયમાં જંગલોમાં આગના કેટલા બનાવો બન્યાં, કેટલાં વૃક્ષો, પ્રાણી અને પક્ષીઓ નાશ પામ્યાં હોવાની વિગતો ગુજરાત વિધાનસભાના અતારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કર્યો હતો. જેનો વન મંત્રીએ જણાવ્યું હતું કે, 10 નવેમ્બર-2020ની સ્થિતિએ ગુજરાતના જંગલોમાં 3031 આગના બનાવો બન્યા હતા. જેમાં 2018-19માં 1027, 2019-20ના વર્ષમાં 753 તથા 2020-21ના વર્ષમાં 1251 આગના બનાવો બન્યા હતા. જો કે આ બનાવોમાં કોઇ પ્રાણી કે પક્ષીનો નાશ થયો નથી. પરંતુ 48 વુક્ષોનો નાશ થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ક્ષેત્રીય કર્મચારીઓની ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ફાયર એલર્ટ સિસ્ટમ ઉપર નોંધણી કરવામાં આવે છે. જેથી દવના બનાવની જાણ તેમને તાત્કાલિક થાય છે. વન વિસ્તારમાં આગ લાગે તો તેને તાત્કાલિક બુઝાવવા માટે આધુનિક સાધન-સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ દવના બનાવોની સમયસર જાણ થાય તેમ જ તેને બુઝાવવા માટે સમયસર ત્વરિત પગલાં લઇ શકાય તે હેતુસર વનોમાં ખાસ જગ્યાઓ ઉપર ચોકીઓ / વોચ ટાવર ઊભા કરીને વન કર્મચારી/દવ ગાર્ડને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વન વિસ્તારમાં સ્ટાફનું સ્ટાફ સતત પેટ્રોલીંગ કરે છે. દવને અટકાવવા માટે વનોમાં દવ રેખાની રચના કરવામાં આવે છે તેમ જ તેમની નિયમિત ધોરણે જાળવણી કરવામાં આવે છે.

તલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડે કરેલાં પ્રશ્નનો જવાબ આપતાં વન મંત્રીએ જણાવ્યું છે કે, ક્ષેત્રીય કર્મચારીઓની ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ફાયર એલર્ટ સીસ્ટમ પર નોંધણી કરવામાં આવે છે. જેથી દવના બનાવની જાણ તેમના મોબાઇલ પર તાત્કાલિક થાય છે. વન વિસ્તારમાં આગ લાગે તો તેને તાત્કાલિક બુઝાવવા માટે આધુનિક સાધન-સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

(12:22 am IST)