Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

હવે રાજસ્થાનથી ગુજરાત તરફ ધસમસતું ખેડૂત આંદોલન, શંકરસિંહ વાઘેલા સક્રિય

રાકેશ ટિકૈતના ગુજરાત આગમન પહેલા શંકરસિંહજી પાલનપુર પહોંચ્યા : ખેડૂત અગ્રણીઓ સાથે રણનીતિ પર ચર્ચા કરી : રાકેશ ટિકૈત સમક્ષ બટેટાના ઢગલા ખડકીને વડાપ્રધાનને મોકલવામાં આવશે

પાલનપુર: નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર પર 100 કરતાં વધુ દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આગામી મહિને ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવવાના હોવાથી રાજકારણ ગરમાયું છે. રાકેશ ટિકૈત ગુજરાત આવે, પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિવ થઈ ગયા છે.

રાકેશ ટિકૈત આગામી 4 અને 5 એપ્રિલે ગુજરાત આવી રહ્યાં છે. ટિકૈત બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં દર્શન કરીને પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરવાના છે, ત્યારે આજે શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા હતા. શંકરસિંહે અહીં સ્થાનિક ખેડૂત અગ્રણીઓ સાથે બેઠક કરીને આગળની રણનીતિ પર ચર્ચા કરી હતી

આ તકે શંકરસિંહે સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદ પર આવેલો છે. આથી ખેડૂત આંદોલન હવે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહ્યું છે. ગુજરાતના ખેડૂતો પણ સરકારની નીતિઓથી નારાજ છે. ખેડૂતોને બટાકાનો સારો ભાવ મળતો નથી, ત્યારે રાકેશ ટિકૈત સમક્ષ બટાકાના ઢગલા ખડકીને વડાપ્રધાનને મોકલવામાં આવશે. ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા અંગે અગાઉ સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે. આમ છતાં કોઈ પ્રશ્નનું નિરાકરણ થયું નથી.

અગાઉ સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસની રૂપરેખા જણાવાઈ હતી. જે મુજબ રાકેશ ટિકૈત 4 એપ્રિલે અંબાજી મંદિરે દર્શન કરીને પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. જે બાદ પાલનપુરમાં કિસાન સંમેલન યોજશે અને ઊંઝા ઉમિયા માઁના મંદિરે પણ દર્શન કરવા જશે. 5 એપ્રિલે રાકેશ ટિકૈત અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ અને કરમસદમાં સરદાર સ્મારકની મુલાકાત લઈને બારડોલીમાં ખેડૂત સંમેલન સંબોધશે.

(7:27 pm IST)