Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

અમદાવાદના વષાાલના વૃંદાવન સ્‍કાઇલાઇનમાં ચેરમ બનવાના ડખ્‍ખામાં મારામારીઃ 6 મહિનાની બાળા નીચે પડી પરંતુ સદ્‌નસીબે બચાવ

અમદાવાદ: અમદાવાદમાં હાલ એક વીડિયો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. જેમાં બાળકીને તેડીને ઉભેલા એક યુવક પર એક શખ્સે હુમલો કરતા બાળકી નીચે પટકાઈ હતી. સોસાયટીની મેઈનટેઈન્સ જેવી સામાન્ય બાબત પર શખ્સે એ પણ ધ્યાન ન આપ્યું કે યુવકના હાથમાં નાની બાળકી છે, અને આકસ્મિક હુમલાને કારણે યુવકના હાથમાં રહેલી બાળકી નીચે પટકાઈ હતી. જોકે, સમગ્ર ઘટના સોસાયટીની સીસીટીવીમાં કેદ થઈ હતી.

બન્યુ એમ હતું કે, વસ્ત્રાલ વિસ્તારમાં વૃંદાવન સ્કાયલાઈન આવેલી છે. જેમાં 29 વર્ષીય ક્રિષ્ણનંદન પોતાના પરિવાર સાથે રહે છે. થોડા દિવસો પહેલા તેમની સોસાયટીમાં મેઈનટેઈનન્સ મામલે મીટિંગ હતી. જેમાં તેમને સોસાયટીની ખજાનચી જીએસ રાઠોડે તેમની પાસેથી મેઈનટેઈનન્સના રૂપિયા માંગ્યા હતા. ત્યારે ક્રિષ્ણનંદન તેમની પાસેથી રૂપિયા મામલે માહિતી માંગી હતી. તેથી રાઠોડે તેમને સંતોષકારક જવાબ ન આપીને ગોળગોળ જવાબ આપ્યો હતો. તેથી સોસાયટીના લોકોએ ક્રિષ્ણનંદનને સોસાયટીના ચેરમેન બનાવ્યા હતા.

આ બાબત જીએસ રાઠોડને ગમી ન હતી. તેથી તેમણે 20 માર્ચના રોજ ક્રિષ્ણનંદનને ફોન કરીને પોતાનો ભડકો કાઢ્યો હતો.

એટલુ જ નહિ, જીએસ રાઠોડ આટલેથી અટક્યા ન હતા. તેણે ક્રિષ્ણનંદનના મેઈનટેઈનન્સના રૂપિયા બાકી છે તેવુ લખાણ સોસયાટીના બોર્ડ પર લખ્યું હતું.

આ બાદ 24 માર્ચના રોજ જ્યારે ક્રિષ્ણનંદન પોતાની 6 માસની ભાણીને લઈને સોસાયટીના કેમ્પસમાં ઉભા હતા, ત્યારે રાઠોડ અચાનક લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. 

ક્રિષ્ણનંદન એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે રાઠોડ તેમની ઉપર લાકડી લઈને તૂટી પડ્યો હતો.

રાઠોડે અચાનક પાછળથી આવીને ક્રિષ્ણનંદન પર લાકડીથી હુમલો કર્યો હતો. અચાનક હુમલાને કારણે ક્રિષ્ણનંદનની છ મહિનાની ભાણી હાથમાંથી નીચે પટકાઈ હતી.

ક્રિષ્નનંદન જે વ્યક્તિ સાથે ઉભા હતા તેઓ પણ આ બંનેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે જી એસ રાઠોડે કહ્યું હતું કે, તું કેમ ચેરમેન બન્યો છે તેમ કહી તેમને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને બાદમાં મારી નાખવાની ધમકી આપી લાકડીના ફટકા માર્યા હતા.

આ બનાવથી અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા, અને બાળકીને ઉંચકી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીની કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે રામોલ પોલીસે રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.

(6:44 pm IST)