Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુરતમાં લુમ્સના કારખાનામાં ત્રણ દિવસ અગાઉ નોકરીએ જોડાયેલ કારીગર ઓફિસનું તાળું તોડી 4.50 લાખની ચોરી કરી ફરાર થઇ જતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના ઉન તસનીમ નગર સ્થિત લુમ્સના કારખાનમાં માત્ર ત્રણ દિવસ અગાઉ નોકરીએ જોડાયેલો કારીગર ઓફિસનું તાળું તોડી રોકડા રૂ.4.50 લાખની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સગરામપુરા સીંધીવાડ મકાન નં.2/3062/બ માં રહેતા 45 વર્ષીય ઝાહીદભાઇ યુસુફભાઇ કાપડીયા અને મોટા ભાઈ સાદીક્ભાઈ સાથે ઉન તસનીમ નગર ઈન્ડસ્ટ્રીલ સોસાયટીના ખાતા નં.2 માં લુમ્સનું કારખાનું ધરાવે છે. 

ગત 22 મી ની બપોરે ઝાહીદભાઈએ ધંધાર્થે બેંકમાંથી રૂ.5 લાખ ઉપાડયા હતા.તેમાંથી રૂ.4.50 લાખ કારખાનાની ઓફિસના સાઈડના ટેબલના ખાનામાં મુક્યા હતા અને રાત્રે ઓફિસ-કારખાનું બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે 23 મી એ પાવર કટ હોય કારખાનું બંધ હતું તેથી તે કારખાને ગયા નહોતા. 24 મી એ સવારે મેનેજરે ઓફિસમાં ચોરી થયાની જાણ સાદીક્ભાઈને કરતા તેમણે ઝાહીદભાઈને જાણ કરી હતી.

ઘરે હાજર ઝાહીદભાઈએ કારખાનાના સીસીટીવી કેમેરા મોબાઈલ અને ઘરના કોમ્પ્યુટર સાથે કનેક્ટ હોય ચેક કરતા રાત્રે 1.58 કલાકે કારખાનામાં માત્ર ત્રણ દિવસ અગાઉ જ નોકરીએ જોડાયેલો મનકેશ્વરસીંગ ઉર્ફે મદન ઓફીસના મેઇન દરવાજાનું લોક તોડી ફરીયાદીની ઓફિસમાં પ્રવેશી કાચનું પાર્ટીશન તોડી ટેબલના ખાનામાં મુકેલા રૂ.4.50 લાખની ચોરી કરી થોડી વાર બાદ બહાર નીકળતો નજરે ચઢ્યો હતો. ઝાહીદભાઈ અને તેમના ભાઈએ મનકેશ્વરસીંગ ઉર્ફે મદનની શોધખોળ કરી હતી. પરંતુ તે નહીં મળતા છેવટે ગતરોજ તેના વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:06 pm IST)