Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગુજરાતમાં રસીકરણમાં વેગઃ ૪૯ લાખ લોકોને રસી મૂકાઇ

૪પ વર્ષથી ઉપરના ૧.૬ કરોડ લોકોઃ દરરોજ સરેરાશ ર.પ૦ લાખ લોકોને રસી અપાય છે : ૧૮ વર્ષ સુધીના ર કરોડ લોકો રસી મેળવવા પાત્ર નહિઃ રસી મૂકવા માટે ૧પ હજાર સ્‍ટાફ સજ્જ : રાજકોટ શહેરમાં ગઈકાલ સુધીમાં ૭૮૮૯૧ સામાન્‍ય લોકો સહિત કુલ ૧૨૨૬૩૯ લોકોનું રસીકરણ

રાજકોટ, તા. ૨૭ :. ગુજરાતમાં કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશ વેગ પકડી રહી છે. કેન્‍દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ રસીકરણ કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. અત્‍યાર સુધીમાં ૪૮,૯૪,૦૨૭ લોકોને રસી મુકાઈ ગઈ છે.

સરકારના સત્તાવાર વર્તુળોના કહેવા મુજબ અત્‍યાર સુધીમાં આરોગ્‍ય ક્ષેત્રના ૪૮૪૩૦૪ કર્મચારીઓને પ્રથમ ડોઝ અને ૩૧૮૦૫૩ કર્મચારીઓને બે ડોઝ અપાઈ ગયા છે. ફ્રન્‍ટ લાઈનર વોરિયર્સમાં ૪૮૫૫૨૫ને પ્રથમ ડોઝ અને ૩૦૯૬૩૯ને બીજો ડોઝ અપાઈ ગયો છે. ૬૦ વર્ષથી ઉપરના તેમજ ૪૫થી ૫૯ વર્ષ વચ્‍ચેના ગંભીર રોગવાળા ૩૨૯૬૫૦૬ લોકોને રસીનો પહેલો ડોઝ અપાઈ ગયો છે. બધા ડોઝની સંખ્‍યા ૪૮૯૪૦૨૭ થાય છે. દરરોજ સરેરાશ અઢી લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. તા. ૧ એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના કોઈપણ નાગરીકોને રસી અપાશે.

રાજ્‍યની વસ્‍તી આશરે ૬.૫૦ કરોડ છે. જેમાં ૪૫ વર્ષથી ઉપરના ૧.૬ કરોડ લોકો છે. ૧૮ વર્ષ સુધીના લોકોને રસી આપવા પાત્ર નથી. આવી સંખ્‍યા ૨ કરોડ જેટલી થાય છે. કયા વયજુથના લોકોને ક્‍યારે રસી આપવી ? તેનો નિર્ણય કેન્‍દ્રની ગાઈડલાઈનને આધારે થાય છે

(4:08 pm IST)