Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુરતના વેસુ વિસ્તારમાં અતુલ બેકરીના માલિકની બેકાબુ કારે ત્રણ એક્ટિવાને ઉલાળ્યા : મહિલાનું મોત : બે ગંભીર

કાર ચાલક ભાગવા જતા સ્થાનિકોએ પકડીને પોલીસ હવાલે કર્યો

સુરત: શહેરના પોશ વિસ્તાર એવા વેસુ એરિયામાં એક બેકાબૂ કારે 3 એક્ટિવાને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નીપજ્યુ છે, જ્યારે બે જણા ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસે અકસ્માત સર્જાનારા કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  આ અંગે મળતી વિગતો મુજબ, વેસુ વિસ્તારમાં આવેલ જે એચ અંબાણી હાઈસ્કૂલ નજીક GJ-05-RM-1863 નંબરની લક્ઝુરિયર કાર પૂર ઝડપે આવી રહી હતી. જેણે એક સાથે 3 એક્ટિવા ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં  બેથી ત્રણ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં એક મહિલાનું મોત નીપજ્યુ હોવાની માહિતી મળી છે

અકસ્માત સર્જાયા બાદ આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાનું વાહન મૂકીને ભાગવા જતાં સ્થાનિકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

 પોલીસ પૂછપરછમાં કાર ચાલકની ઓળખ સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે, અકસ્માત સર્જ્યો તે સમયે અતુલ વેકરિયા નશામાં ધૂત હતા. હાલ તો પોલીસે અતુલ વેકરિયાની અટકાયત કરીને તેમના વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(10:53 am IST)