Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજ્યમાં લેન્ડ ગ્રેબીંગની 133 પોલીસ ફરિયાદ :317 આરોપીઓ જેલ હવાલે: 1384 વીઘા જમીન મૂળ માલિકોને પરત અપાઈ

2 હજારના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચકક્ષાની સમિતિને અરજી કરવી :કલેકટર સુઓ-મોટો કાર્યવાહી કરીને કામગીરી કરી શકે

 

અમદાવાદ : રાજ્ય સરકાર ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહી છે. પરિણામ સ્વરુપે પ્રજાના આર્શીવાદ અમારા પર ઉત્તરોત્તર વરસી રહ્યાં છે. ગરીબ-મધ્યમ પરિવારો તથા ખેડૂતોની જમીન પચાવી પાડનારાને નશ્યત કરવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ સામેનો કાયદો લાવ્યા છીએ એમ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

વિધાનસભામાં જૂનાગઢ ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ( પ્રોહીબીશન ) એક્ટ 2020 હેઠળના કેસો ચલાવવા માટેની ખાસ કોર્ટની રચનાને લગતા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં અત્યારસુધીમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદો સંદર્ભે 57 અરજીઓ મળી છે. સમગ્ર રાજયમાં કમિટીની ભલામણને આધારે 133 એફ.આઇ.આર. થઇ છે. 114 ચાર્જશીટ પણ દાખલ કરીને 317 ભૂમાફિયાઓને જેલના હવાલે કરી દેવાયા છે. સમગ્ર રાજયમાં 1,384 વીઘા જેટલી જમીન તેમના મૂળ માલિકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા ભૂમાફિયાઓને રાજયમાં અન્ય કોઇ ગુના ન કરે તે માટે રાજયની સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા જરૂરી ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે છે. જેના પરિણામે આવા તત્વોને વધુમાં વધુ જેલમાં રાખી શકાય.

મણે વધુમાં કહ્યું કે, રાજયમાં જમીનના ભાવ વધ્યા છે. જેના કારણે આવા ભૂમાફિયા અસ્તિત્વમાં આવ્યા છે. રાજયના ગરીબ ખેડૂતો અને લોકોને ભોળવીને ખોટા દસ્તાવેજો કરાવીને જમીન પચાવી ન પાડે તે માટે દ્દઢ રાજકીય ઇચ્છાશક્તિથી વિજયભાઇ રૂપાણીના નેતુત્વવાળી સંવેદનશીલ સરકાર આ કાયદો લાવી છે. તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. તેના માટે રૂપિયા 2 હજારના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચકક્ષાની સમિતિને અરજી કરવાની હોય છે. કલેકટર પણ સુઓ-મોટો કાર્યવાહી કરીને કામગીરી કરી શકે છે. જે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષપણામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ કરતી ઉચ્ચ સમિતિની રચના કરી છે. જે 21 દિવસમાં અરજી અંગે નિર્ણય કરીને એફ.આઇ.આર. કરવા સૂચના આપે છે. પોલીસ તંત્ર એફ.આઇ.આર. સંદર્ભમાં સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની કડક સૂચના પણ આપે છે.

(9:03 am IST)