Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

મોરવાહડફ બેઠકની પેટાચૂંટણી માટે હજુ એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી : 30મીએ છેલ્લી તારીખ

પાર્લામેન્ટ બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

 

મોરવાહડફની વિધાનસભા મતવિસ્તારની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી આગામી તા. 17મી એપ્રિલના રોજ યોજાવાની છે. તેના માટેની ઉમેદવારી પત્ર ભરવાનું જાહેરનામુ 23મી માર્ચના રોજ પ્રસિધ્ધ કરવાની જાહેરાત કરી હતી. તે દિવસથી જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ ગયું છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, આજે તા.26મી માર્ચ સુધીમાં એકપણ ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું નથી. હવે આ ઉમેદવારી પત્ર ભરવાને આડે ચાર દિવસ એટલે કે તા.30મી માર્ચ છેલ્લી તારીખ છે

બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી તથા ગાંધનગર મહાનગરપાલિકાની યોજાનારી ચુંટણી માટે આજથી ભાજપ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ)ની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને શરૂ થઇ છે. આ બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મોરવા હડફ વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાને આડે હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ભાજપ તરફથી આવતીકાલે તા.27મી માર્ચના રોજ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમ જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલની હાજરીમાં ચૂંટણી સમિતિના સભ્યોની બેઠકનો આજથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને દોર શરૂ થયો છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 18મી એપ્રિલે યોજાનારી ચુંટણી તથા મોરવા હડફ વિધાનસભાની આગામી તા.17મી એપ્રિલે યોજનારી પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટેની ચયન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડના 44 ઉમેદવારોની પસંદગીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં સમિતિના સભ્યો, સંકલન સમિતિ તથા નિરીક્ષકોના અભિપ્રાયના આધારે ચર્ચા વિચારણાં કરવામાં આવશે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 44 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવાની હોવાથી તેમાં સમય જાય તેવી શક્યતા છે. પરિણામે આ ચુંટણીના ઉમેદવારોની જાહેરાત એકાદ બે દિવસમાં થવાની શક્યતા હોવાનુ સૂત્રોએ જણાવ્યું છે. જો કે સામે હોળી હોવાથી ઉમેદવારો દ્રારા તા.30મી માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા જાય તેવી સંભાવના દેખાઇ રહી છે.

(12:54 am IST)