Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રોજગારી મુદ્દે સરકાર પર કોંગ્રેસે તાતાંતીર છોડ્યા : બેરોજગાર યુવાનોને બેકારી ભથ્‍થું આપવા માંગણી

આઉટસોર્સીંગ, કરાર આધારિત અને ફીક્‍સ પગારની નીતિના નામે યુવાનોનું શોષણ : શ્રમિકોના કલ્‍યાણ માટેનું ફંડ શ્રમિકના આગ્રહ

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં શ્રમ અને રોજગાર વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાત ધંધા-રોજગારમાં વિકસિત હોવાની વાતો સરકાર કરે છે, ત્‍યારે ધંધા-રોજગાર વધુ વિકસે અને શ્રમજીવીઓ, કામદારો, અસંગઠીત કામદારો બધાને રોજગારી મળે તેની ચિંતા કરવાની જવાબદારી પણ સરકારની છે. દર વર્ષે લાખો યુવાનો ગ્રેજ્‍યુએટ થાય, શિક્ષિત બનીને બહાર આવે છે, તે પૈકી અનેક યુવાનો રોજગાર કચેરીમાં નોંધણી કરાવે છે અને અનેક યુવાનો નોંધણી કરાવતા નથી. આ યુવાનો જ્‍યારે શિક્ષિત બન્‍યા હોય, રોજગારી માટે, ધંધા-રોજગાર અને કામ-ધંધા માટે પ્રયત્‍નો કરતા હોય પરંતુ તેમાં સફળતા ન મળતા, રોજગારી ન મળતા આ યુવાનોમાં હતાશા વ્‍યાપી જાય છે અને તે પૈકી કેટલાક યુવાનો બેકારી અને બેરોજગારીથી કંટાળીને આત્‍મહત્‍યા કરવા સુધીનું દુઃખદ પગલું ભરતા હોય છે. આજે રાજ્‍યમાં 25-30 લાખ લોકો બેકારી-બેરોજગારીનો સામનો કરી રહ્‌યા છે ત્‍યારે સરકારે તેમની ચિંતા કરવાની ખાસ જરૂર છે.

સરકાર બેરોજગાર યુવાનો માટે નીતિઓ બનાવતી હોય છે, કાયદા બનાવતી હોય છે, એમને ધંધા-રોજગાર માટે લોન મળે તે માટે જાહેરાતો પણ થતી હોય છે પરંતુ આવા લોકો જ્‍યારે બેંકોમાં લોન લેવા માટે જાય છે, ફોર્મ ભરે છે અને બેંકોમાં ધક્કા ખાય છે ત્‍યારે બેંકોમાં એમને સાંભળવામાં આવતા નથી. આ યુવાનોને લોન મળવી જોઈએ પણ એ મળતી નથી અને તેઓ નિરાશ થતા હોય છે.

રાજ્‍યમાં ચાલતી આઉટસોર્સીંગ, કરાર આધારિત અને ફીક્‍સ પગારની નીતિના નામે યુવાનોનું શોષણ થાય છે અને કોન્‍ટ્રાક્‍ટરો કરોડો રૂપિયા કમાય છે. આવા યુવાનોને પૂરતો પગાર મળતો નથી, તેમનું શોષણ થાય છે અને તેઓ અવાજ ઉઠાવે ત્‍યારે નોકરીમાંથી કાઢી મૂકવા સુધીના પગલાં લેવાય છે. આઉટસોર્સીંગ પ્રથામાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવ્‍યા છે. આઉટસોર્સીંગ એજન્‍સીઓ દ્વારા ગેરરીતિ અને ભ્રષ્‍ટાચાર આચરવામાં આવે છે અને યુવાનોને રોજગારીથી વંચિત રાખવામાં આવે છે ત્‍યારે આવી આઉટસોર્સીંગ એજન્‍સીઓ સામે કડક હાથે પગલાં લેવાવા જોઈએ.

રાજ્‍યમાં શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ બનાવવામાં આવ્‍યું છે, જેમાં 3 હજાર કરોડ કરતાં વધુ રકમનું ફંડ પડયું છે પરંતુ શ્રમિકોના કલ્‍યાણ માટે, એમના પરિવાર માટે કે એમના બાળકો માટે કોઈપણ કાર્ય સરકાર કરતી હોય તેમ દેખાતું નથી. સરકાર શ્રમિકોના કલ્‍યાણ માટે યોજનાઓ બનાવે છે પરંતુ તેનો યોગ્‍ય અમલ થતો નથી. શ્રમિકોના કલ્‍યાણ માટેનું ફંડ તે જ હેતુસર વપરાવું જોઈએ અન્‍ય હેતુઓ માટે નહીં.

કેન્‍દ્રની કોંગ્રેસ સરકાર ગામના લોકો માટે રોજગાર ગેરન્‍ટી યોજના લાવી હતી અને એ પ્રમાણે રોજગારી પણ અપાતી હતી. આજે શહેરોમાં પણ એવી જ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. બેકાર યુવાનોને બેકારી ભથ્‍થું આપવાની પરિસ્‍થિતિ ઉભી થઈ છે. એક તરફ કોરોના મહામારી અને તેના કારણે મંદી-મોંઘવારી, બેકારી અને બેરોજગારીનો પરિવારો સામનો કરતા હોય ત્‍યારે બેરોજગાર યુવાનોને સરકારે બેકારી ભથ્‍થું આપવું જોઈએ તેવી માંગણી હિંમતસિંહ પટેલે કરી હતી

(11:50 pm IST)