Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોની સાઠ ગાંઠ..?! નર્મદા જીલ્લામા અન્ય જિલ્લાની એજન્સીઓને સરકારી ગ્રાન્ટો ફાળવવામાં આવતા કામગીરી પર ઉઠ્યા સવાલ

ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ નર્મદા જિલ્લામાં જોવા મળતા સ્થાનિક એજન્સીઓના સંચાલકોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા આદિજાતિઓના કલ્યાણ તેમના ઉત્કર્ષ અને વિકાસ માટે ઘણી સરકારી યોજનાઓ અમલમાં છે. આદિવાસીઓ સ્વાવલંબી અને પગભર બને એ માટે રાજય સરકાર છેવાડાના માનવીઓ સુધી વિકાસ અને યોજનાકીય લાભો પહોચાડવા તત્પર છે. ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ એસપીરેશનલડિસ્ટ્રીકટ એવા નર્મદા જીલ્લામા આદિજાતિઓના લાભાર્થે અમલી સરકારની અનેક યોજનાઓની કામગીરી જીલ્લા બહાર ની એજન્સીઓને ફાળવવામાં આવતા કેટલીક યોજનાઓ મા ભ્રષ્ટાચાર થતા હોવાની વાત સંભળાઈ રહી છે.જોકે ઉપર લેવલથી જ કામગીરી માટે બહારની એજન્સીઓ નક્કી કરાતા સ્થાનિક અધિકારીઓ અને એજન્સીઓ ફક્ત શોભના ગાંઠિયા સમાન જ હોય તેમ લાગી રહ્યું છે,

હાલમાં ગુજરાત સરકાર ના આદિજાતિ વિભાગ કમિશનર ગાંધીનગર દ્વારા આદિજાતિઓને આંબાના રોપા આપવાની યોજના ડીસેક દ્વારા અમલી છે આ યોજના મા આદિવાસીઓ ને પોતાના ખેતરમાં જમીન મા આંબા ના વૃક્ષો વાવવા રોપા આપવામાં આવે છે.આ યોજના ની નર્મદા જીલ્લા ની કામગીરી નર્મદા જીલ્લા બહાર ની એજન્સી ઓને સોપવામાં આવતા આદિવાસી ખેડુતો ને સમયસર રોપા મળતાં નથી તેવી બુમો સંભળાઈ છે, અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગત થી આ યોજના મા ભ્રષ્ટાચાર આચરાતા હોવાનું આદિવાસી વિસ્તારોમાં ચર્ચામાં છે ત્યારે ગાંધીનગર સ્થિત આદિજાતિ વિભાગ કમિશનર ની કચેરી સ્થાનિક એજન્સીઓને આંબા ના રોપા વિતરણ ની કામગીરી સોંપે તો ખેડુતો લાભાર્થીઓને સમયસર રોપા મળી રહે .શુ આ મામલે સરકારી તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે કે પોતાના અંગત ફાયદાઓ માટે મનમાની જ ચાલશે ? તેવા સવાલો હાલ જિલ્લામાં ઉઠ્યા છે.
 આ બાબતે આખાબોલા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા સરકારી સ્તરે યોજાતી બેઠકો સહિત જાહેર સભાઓમાં જાહેર મંચ ઉપર થી પોતાના વ્યક્તિત્વ ને ઉજાગર કરતા હોય છે. ત્યારે તેઓ નર્મદા માં બહાર ની એજન્સીઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવતી કામગીરીઓથી પણ પરિચિત છે જ આ મામલે પણ ધણી વાર સાંસદ રોષ પ્રગટ કરી ચુક્યા છે તો શુ તેઓ સરકાર મા નર્મદા જીલ્લાના આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક એજન્સીઓને કામગીરી ફાળવવા માટે પ્રાધાન્ય મળે એ બાબતે રજુઆત કરે તેવી લોક લાગણી છે.
 જોકે આ બાબતે નર્મદા જિલ્લા પ્રયોજન અધિકારી બી.કે. પટેલ એ જણાવ્યું હતું કે આની તમામ પ્રક્રિયા ગાંધીનગર થી થાય છે,કઈ એજન્સીને કામ આપવું તે ત્યાંથી જ નક્કી થયા બાદ અમારી ઉપર પત્ર આવે છે જેથી આમાં અમારો ખાસ કોઈ રોલ નથી.

(10:38 pm IST)