Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજયના 33 જિલ્લા તથા 8 મનપાને કમલમ સાથે ડીજીટલ માધ્યમથીજોડાઈ

સંપર્ક સેતુ માટે આધુનિક NAS સ્ટોરેજનું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઓનલાઇન કોન્ફરન્સ દ્વારા અનાવરણ કરાયું

અમદાવાદ :ગુજરાતના 33 જિલ્લા તથા 8 મહાનગરપાલિકાઓને ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમને ડીજીટલ માધ્યમથી જોડવામાં આવ્યું છે. સંપર્ક સેતુ માટે આધુનિક NAS સ્ટોરેજનું આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઓનલાઇન કોન્ફરન્સ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું

તેમણે NASનું અનાવરણ કરતાં જણાવ્યું હતું કે, NAS સ્ટોરેજ સર્વર એક અત્યંત આધુનિક સર્વર છે. સંપર્ક સેતુના માધ્યમથી તમામ માહિતીની આપ-લે ખૂબ જ સરળ અને ઝડપી બનશે. જિલ્લા તથા મહાનગરોને પ્રદેશ તરફથી જે પણ માહિતી જોઇતી હશે તે ત્વરિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી મળી રહેશે. આ સર્વર માધ્યમથી પ્રદેશ નેતૃત્વ તમામ બાબતો પર સીધી નજર રાખી શકશે. અને ત્વરિત સૂચના પણ આપી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લા તથા મહાનગરના કાર્યાલયોમાં પણ આયોજનબધ્ધ રીતે ડેટાનું મેનેજમેન્ટ થઇ શકશે. આ સર્વરમાં લાંબા સમય સુધી તમામ વિગતોનું સ્ટોરેજ કરી શકાશે. જેના કારણે ભવિષ્યમાં જરૂરી કોઇપણ માહિતી આંગળીના ટેરવે મળશે. આ સર્વરમાં 70 ટેરાબાઇટ (ટી.બી.) સ્પેસ છે. 1 ટેરાબાઇટ (ટી.બી.)માં 1000 ગીગાબાઇટ (જીબી) જેટલી સ્પેસ હોય છે. આ સર્વરની મદદથી ભવિષ્યમાં તમામ જિલ્લા/મહાનગરોના કાર્યાલય પર ઓડિયો બ્રીજ અને વીડીયો બ્રીજ થકી સંપર્ક સાધવાના નવા આયામો સ્થાપિત થશે. એક જ સમય પર તમામ જગ્યાઓ પર આ આધુનિક ટેકનોલોજીના મદદથી પ્રચાર-પ્રસાર અને સંકલન કરી શકાશે. તમામ સાંસદ તથા ધારાસભ્યોના કાર્યાલયને પણ પ્રદેશ કાર્યાલય કમલમ સાથે જોડવામાં આવશે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે તમામ 182 વિધાનસભા કાર્યાલયો પણ સંપર્ક સેતુ થકી જોડવામાં આવશે.

તેમણે ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને આગામી સમયમાં જળ બચાવો અભિયાન, વુક્ષારોપણ અભિયાનમાં જોડાવવા આહ્વવાન કર્યું હતું. અત્યારે ચાલી રહેલી કોરોના સામે રાજયવ્યાપી રસીકરણ અભિયાનમાં જોડાઇને વધુમાં વધુ લોકોને રસીકરણની પ્રક્રિયામાં મદદરૂપ થવા હાકલ કરી હતી.

આ અનાવરણ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સાથે પ્રદેશ મહામંત્રીઓ ભીખુ દલસાણિયા, રજની પટેલ તેમ જ પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા.

(9:58 pm IST)