Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કોરોનાકાળમાં ખાનગી શાળાઓએ લીધેલી ફી પાછી અપાવવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાની માંગણી

સરકારના પ્રયત્નો છતાં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી.

રાજપીપળા : વિધાનસભા સત્રમાં નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ શિક્ષણ ક્ષેત્રે સરકારની પોલ ખોલી હતી. તેમણે કોરોનાકાળમાં ખાનગી શાળાઓએ લીધેલી ફી પાછી અપાવવાની માગ કરી છે. શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસો થકી આદિવાસી વિસ્તારમાં ખૂબ પ્રગતિ થઈ છે એ વાતનો છેદ ઉડાડતા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ વિધાનસભામાં કહ્યું કે સરકારના પ્રયત્નો છતાં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી.

ગુજરાત વિધાનસભા સત્રમાં શિક્ષણના વિષય પર નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ રજૂઆતો કરી હતી, એમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા વાળુ બનાવવા સરકાર પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરે છે છતાં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા પણ આવડતું નથી, હવે એના માટે સરકારે શુ કરવું જોઈએ એ સરકારનો વિષય છે.

 

જે શાળામાં સંખ્યા ન હોય એ શાળાને અન્ય શાળા જોડે મર્જ કરવાની સરકારની વિચારણા છે, નર્મદા જિલ્લામાં તો એવી ઘણી શાળાઓ છે.નર્મદાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં બસની કે વાહન વ્યવહારની પણ સગવડ નથી ત્યારે એવા ગામની શાળાને જો મર્જ કરાશે તો બાળકો ભણવા જશે જ નહીં.

નાંદોદ MLA પી.ડી.વસાવા (MLA PD Vasava) એ રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાની માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના અધ્યાપકોની 5 વર્ષની નોકરી સળંગ ગણી એમને પણ જુદા જુદા લાભો આપવામાં આવે, અધ્યાપક સહાયકોને ફાઝલનું રક્ષણ આપવામાં આવે.કોરોના કાળમાં જે પણ શાળાએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી છે એ 100% ફી પરત કરવામાં આવે.

નર્મદા જિલ્લામાં 4 વર્ષ પહેલાં બનેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં કાયમી અને આસિસ્ટન્ટ પ્રોફેસર તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવામાં આવે.રાજપીપળાની ઝાંસીની રાણી લક્ષીબાઈ તેમજ શ્યામજી પ્રસાદ પ્રાથમિક શાળાને ડીમોલિશનની નોટિસ મળી છે ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. MLA PD Vasava

સ્કૂલોને પરિણામ આધારિત ગ્રાન્ટ નહીં પરંતુ વર્ગ આધારિત ગ્રાંટ અપાવી જોઈએ.આશ્રમ શાળાના મકાન બાંધકામ માટે સહાય અપાવી સહિત ભિન્ન ભિન્ન માંગણીઓ સરકાર પાસે પોતાના વિસ્તાર માટે કરી હતી.

(9:55 pm IST)