Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

IIMના ૪૦ વિદ્યાર્થી અને પ્રોફેસર કોરોના સંક્રમિત થયા

વિદ્યાર્થીઓ કોરોનાના લક્ષણ છતાં મેચ જોવા ગયા હતા : ૧૨ માર્ચે અમદાવાદમાં સ્ટેડિયમ ખાતે રમાયેલ મેચ જોવા છ વિદ્યાર્થીઓ ગયા હતા જેમાંથી પાંચ કોરોનાથી સંક્રમિત

અમદાવાદ,તા.૨૬ : ગુજરાતમાં ફરી એકવાર કોરોના લહેર જોવા મળી રહી છે. દિવાળીના તહેવાર બાદ ફરી એક વાર અમદાવાદ સહિત અન્ય મહાનગરોમા કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. અમદાવાદ શહેરની આઈઆઈએમના ૪૦ વિદ્યાર્થી અને પ્રોફેસર કોરોના સંક્રમિત થતા હાહાકાર મચી ગયો છે. વિદ્યાર્થીઓએ માહિતી છુપાવતા કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના લક્ષણ હોવા છતા વિદ્યાર્થીઓ ૧૨ માર્ચે રમાયેલી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગયા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટ હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન માહિતી મળી છે કે ૧૨ માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલ મેચ જોવા આઈઆઈએમના ૬ વિદ્યાર્થીઓ ગયા હતા. જેમાંથી ૫ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ લેબમાં કોરોના ચેક કરાવ્યો હતો. ૧૬ તારીખે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ દરમિયાન તેમણે પોતના સરનામા તેમના વિસ્તારના આપ્યા હતા.

            જેથી તેઓ ટ્રેસિંગ કરી શક્યા ન હતા. ત્યાર બાદ કેમ્પસમાં અન્ય ૨૩ વ્યક્તિ સંક્રમિત થયા હતા. જેમા ૨૨ વિદ્યાર્થી અને એક પ્રોફેસરનો સમાવેશ થાય છે. આ ઘટના પછી એએમસીએના જૂના અને નવા કેમ્પસમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ બીજા લોકો પણ કોરોના સંક્રમિત થયા છે. આમ આઈઆઈએમમાં માત્ર એક સપ્તાહમાં ૪૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ રાજ્ય સરકાર પર નિશાન તાકતા કહ્યું હતુ કે સરકાર ત્રણ ટી ની વાતો કરે છે તો ક્યા ગઇ સરકારની આરોગ્ય વિભાગ જેના વિશે વાત કરી છે. આંતરાષ્ટ્રીય કક્ષાના કેમ્પસમા આટલા મોટી બેદરકારી સામે આવી છે. કોંગ્રેસની માંગ છે કે અમદાવાદ સહિત ગુજરાત જેટલા પણ આંતરરાષ્ટ્રીય કેમ્પસ કે સંસ્થાઓ છે ત્યા ટેસ્ટિંગ કરવામાં આવે. તેમજ આરોગ્ય વિભાગને સૂચના આપે કે આવી બેદરકારી કેમ કરી છે. એએમસીના આરોગ્ય વિભાગની બેદરકારીથી કોરોના સંક્રમણ વધ્યું છે તેમજ કેમ્પસની સામે પણ પગલા લેવા જોઇએ.

(8:43 pm IST)