Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા વર્લ્ડ બેન્ક વ્હારે : જાહેર કરી 3500 કરોડની સહાય

રાજ્યના પ્રાથમિક શાળાના 1.10 કરોડ વિદ્યાર્થીઓને મળશે લાભ: 40000 શિક્ષકો પણ લાભાન્વિત થશે

અમદાવાદ :ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં સુધારો લાવવા વર્લ્ડ બેન્કે બહુ મોટી કહી શકાય તેટલી લગભગ 3500 કરોડ રુપિયાની સહાયની જાહેરાત કરી છે.

વર્લ્ડ બેન્કે આઉટકમ્સ ફોર અક્સેલરેટેડ લર્નિંગ પ્રોગ્રામ (જીઓએએલ) હેઠળ જાહેર કરેલી આ સહાયથી રાજ્યના 40000 શિક્ષકો તથા 54000 શાળાઓના લગભગ 1.10 કરોડ વિદ્યાર્થીઓને લાભ મળશે. આપને જણાવી દઈએ કે જાહેર સ્કૂલ શિક્ષણનો પાયો મજબૂત બનાવવા ભારત અને વર્લ્ડ બેન્ક વચ્ચે લાંબા ગાળાની ભાગીદારીનો આ એક પ્રોગ્રામ છે.

વર્લ્ડ બેન્ક કાઉન્ટી ડિરેક્ટર જુનૈદ અહેમદે જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણમાં રોકાણ કરવું ભારતના માનવીય સંસાધનની મૂડીમાં રોકાણનો એક મહત્વનો હિસ્સો છે. આ પ્રોગ્રામ દ્વારા ગુજરાત સરકાર જિલ્લા સ્તરના શિક્ષણનો પાયો મજબૂત બનાવશે, હિતધારકો તથા શિક્ષકોની ક્ષમતાનું ધ્યાન રાખી શકશે જે સરવાળે શિક્ષણ માટેનો એક સારો માહોલ ઊભો કરશે.

ગુજરાતે શાળાકીય શિક્ષણની પ્રણાલીઓમાં મહત્વની પ્રગતિ હાંસલ કરી છે અને શિક્ષકોની તાલીમ માટે ઘણા બધા ઉપાયો કર્યાં છે. ગુજરાતની શાળાઓમાં અધુરુ ભણતર છોડી જવાનો દર પણ 2004-05 ના 19 ટકાથી ઘટીને 2017-18 માં 6 ટકા રહ્યો છે. ગુજરાતે જિલ્લા સ્તરની વિકેન્દ્રીકૃત મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે. જોકે શીખવાના લાભમાં હજુ પણ સુધારાનો અવકાશ છે. રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો કોવિડ-19 ને કારણે કિશોરીઓના શિક્ષણમાં ઘટાડો આવ્યો છે. કોવિડ-19 ને કારણે ગુજરાતના શિક્ષણ પર અસર પડી છે અને તેથી જીઓએએલ પ્રોગ્રામ સંખ્યાબંધ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

(8:25 pm IST)