Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

સુરત મનપાની કોવીડ-19 ટ્રેકર એપ રાજ્યના તમામ શહેરોમાં શરુ કરાશે

હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા વ્યક્તિ ઘરમાંથી 10 મીટર પણ બહાર નીકળે તો એપ દ્વારા મનપામાં રીયલ ટાઈમ મોનિટરીંગમાં ઝડપાઇ જાય

સુરત : સુરત મહાપાલિકાએ હોમ ક્વોરન્ટાઇન લોકો પર નજર રાખવા માટે માત્ર 48 કલાકમાં બનાવેલી 'કોવીડ-19 ટ્રેકર' એપની સફળતા  જોઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મનપાની કામગીરીને બિરદાવી છે. ગર્વ લેવા જેવી વાત એ છે કે આગામી શનિવારથી રાજ્યના દરેક મહાનગરમાં આ એપ શરુ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે તો સ્માર્ટ સીટીઝ બેસ્ટ પ્રેક્ટીસ એવોર્ડ અંતર્ગત આ એપ માટે સુરતની પસંદગી પણ કરી લીધી છે. આજ સુધીમાં 3900 લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે, જેથી આ તમામ લોકોને ટ્રીપલ 'T' (ટ્રેક, ટેસ્ટ, ટ્રીટ) આધારિત મોનિટરીંગ, અને જરૂર પડ્યે સારવાર થઇ શકે છે.

 


આ એપ દ્વારા વ્યક્તિનું ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટીંગ કરવામાં ભારે સરળતા રહે છે. દિવસમાં ઓછામાં ઓછું બે વાર અને જરૂર પડ્યે દર કલાકે હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા વ્યક્તિએ પોતાની સેલ્ફી આ એપમાં અપલોડ કરવાની રહે છે. આ સાથે તેને શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો કે શ્વાસની તકલીફ સહિતની કોઈ પણ ફરિયાદ ઉભી થાય તો એની પણ આ એપમાં જાણકારી આપવાની રહે છે.

  વ્યક્તિ ઘરમાંથી 10 મીટર પણ બહાર નીકળે તો એપ દ્વારા મનપામાં સતત ચાલી રહેલા રીયલ ટાઈમ મોનિટરીંગમાં ઝડપાઇ જાય છે. મનપાના સ્માર્ટ (સ્મેક) સેન્ટર ખાતે આ મોનિટરીંગ કરવામાં આવે છે. હોમ ક્વોરન્ટાઇનના નિયમની ભંગ કરવા બદલ મનપાએ આજે બે અને આજ સુધીમાં કુલ 8 વ્યક્તિઓને આ એપ મારફત જ શોધી તેઓ સામે પોલીસ ફરિયાદ લખવી છે, અને દરેકને 25 હજારનો દંડ પણ કર્યો છે.

(12:54 am IST)