Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

હાલોલ પંથકમાં ઓનર કિલિંગ:ભાઈ અને માતા-પિતાએ કરી નિર્મમ હત્યા

દીકરી ફળિયામાં જ રહેતા યુવકના પ્રેમમાં પડ્યાની જાણ થતા પરિવારે પતાવી દીધી : લાશને કોતરમાં ફેંકી દીધી

 

હાલોલ: કોરોના મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના હાલોલ નજીક કંજરી ગામમાં ભાઈ અને માતા-પિતાએ ભેગા મળી પુત્રીની નિર્મમ હત્યા કરી હતી ઘરની દીકરી ફળિયામાં રહેતા યુવકના પ્રેમમાં પડી જેની જાણ પરિવારને થતા પરિવારે ભેગા મળી દીકરીની હત્યા કરી લાશને કોતરમાં ફેંકી દીધી હતી 

 પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામના પેટા ફળિયા ધનપુરીમાં ઉદેસિંહ અભેસિંગ નાયક પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં એમને પત્ની અને પુત્રી સુનિતા અને એક પુત્ર છે. ઉદેસીંગ પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાની મોટી મજૂરી અને ખેતીકામ કરતા હતા અને પત્ની અને પુત્રી તેમને કામમાં મદદ કરતા હતા. જયારે સૌથી નાનો પુત્ર અભ્યાસ કરતો હતો. પરિવારનું ગુજરાન શાંતિથી ચાલતું હતું.દીકરી સુનિતાના લગ્નની ચિંતા માતા-પિતાને અંદરથી કોરી ખાતી હતી. બીજી તરફ પરિવારની પુત્રી સુનિતા ઉમરનાં મુકામ પર હતી, જ્યાંથી બે રસ્તા પસાર થાય છે. સુનિતાએ બીજો અને જોખમી એટલે પ્રેમનો રસ્તો પસંદ કર્યો હતો. ગામના હર્ષદ નામના યુવકના પ્રેમમાં સુનિતા એટલી પાગલ થઇ કે ઘરના કોઈ કામકાજમાં તેનું મન લાગતું નહોતું.

  સમગ્ર ઘટનાક્રમના મૂક સાક્ષી એવા પરિવારના સૌથી નાની ઉમરના સભ્ય એવો સુનિતાનો ભાઈ તમામ વાતો સમજતો હતો. ભાઈને પણ પોતાની બહેન પર શક જતા સુનિતાની વોચ રાખી હતી. સુનિતા ક્યારે અને કોને મળે છે. કોની સાથે વાત કરે છે. તમામ બાબતો ધ્યાન રાખતા બહેન સુનિતા ગામના એક યુવક હર્ષદના પ્રેમમાં પાગલ હોવાનું ભાઈના ધ્યાને આવ્યું હતું. સમગ્ર વાત પુત્રએ પોતાના માતા-પિતાને કરી પરંતુ ઘરમાં સૌથી નાનો અને સગીર ઉમર ધરાવતો હોઈ પરિવારે વાતને વધારે ગંભીરતાથી લીધી.

 ત્યારે વધારે ગુસ્સે ભરાયેલ સગીર વયના સુનિતાના ભાઈ જાતે સુનિતાના પ્રેમપ્રકરણનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું. નાની ઉંમરે વધુ સમજ ધરાવતા પુત્રએ પરિવારને જણાવી દીધું કે સુનિતા અવળા રસ્તે હોઈ એના લગ્ન કરાવી દો. આજ બાબતને લઇ ગત 24 માર્ચના રોજ સુનિતાના ભાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સુનિતાની સાથે ઝગડો કર્યો હતો. માતાપિતાને પણ પુત્રીના કથિત પ્રેમપ્રકરણ અંગે જાણ થતા એમને પણ સગીર પુત્રને ટેકો આપી સુનિતા સાથે મારઝુડ કરી હતી.

 મામલો આટલે થાળે પડ્યો અને કુમળી માનસિકતા અને ઓછી ઉંમરના સુનિતાના ભાઈ પર કાળ સવાર હતો એને સુનિતાનું ગાડું દબાવ્યું હતું. માતાપિતાએ હાથથી મારઝૂડ કરી એમને પણ સુનિતાનું ગળું દબાવી દીધું. સુનિતા પગ પછાડતી રહી પરંતુ જે હાથોમાં ઉછરીને મોટી થઇ અને જે હાથે પોતાની રક્ષા કાજે રાખડી બાંધી હતી. તે તમામ હાથ પોતાને મોતને ઘાટ ઉતારશે એવી પ્રેમાંધ પુત્રીને ક્યાં ખબર હત

થોડી વારમાં તરફડીયા મારતી પગ પછાડતી સુનિતાનો શ્વાસ રોકાવા લાગ્યો પગ શાંત થઇ ગયા થોડી મિનિટ, પોતાના પરિવારના હાથે સુનિતાનું પ્રાણપંખેરું ઉડી ગયું. સુનિતાના શાંત જમીન પર પડેલા મૃતદેહને જોઈ પરિવાર કરવાનું કરી બેઠાની લાગણી સાથે પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યા.

પરંતુ હવે શું કરવું સમજ પડતી નહોતી. ત્યારે પરિવારે ભેગા મળી સમાજ અને પોલીસના ડરથી બચવા પોતાના હાથે પોતાના કાળજાના કટકાની કરેલ નિર્મમ હત્યાનું પાપ છુપાવવા માટે પુત્રીની લાશને બાજુમાં આવેલ કોતરમાં જાતે નાખી આવ્યા અને આખો પરિવાર ફરાર થઇ ગયો હતો.

ચકચારી ઓનર કિલિંગની હાલોલ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ અને કોતરમાં પડેલી સુનિતાની લાશને પીએમ માટે મોકલી હત્યારા પરિવારની શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન પરીવાર ગુમ હોઈ પોલીસને શક હતો કે સુનિતાની હત્યા થઇ છે અને તે કરનાર બીજું કોઈ પણ તેનો પોતાનો પરિવાર છે. પોલીસ પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ગુનો નોંધી શકમંદ પરિવારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(12:16 am IST)