Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં સોમનાથ ટ્રસ્ટે 1 કરોડનું દાન આપ્યું

ખોડલધામ 21 લાખ, સરદાર ધામ 21 લાખ, કુંડળ સ્વામિનારાયણ સંસ્થાએ 25 લાખ આપ્યા

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ  સામે લડવા માટે મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં 3 દિવસમાં 3500 જેટલા લોકો અને સંસ્થાઓએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે. રાજ્યના માહિતી સચિવ અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે રાજ્યની જાણીતી સંસ્થાઓ અને વ્યક્તિ દાન આપવાની શરૂઆત કરી છે. આ દાનમાં પૂર્વમુખ્ય મંત્રી કેશુબાપા વ્યક્તિગત 1 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેશુબાપાએ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ટ્રસ્ટ તરફથી 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.

 

અશ્વિની કુમારે જણાવ્યું કે રાજ્યની જુદી જુદી સંસ્થાઓએ પણ આમા દાન આપ્યું છે જેમાં કુંડળ સ્વામિનારાયણ સંસ્થાન તરફથી 25 લાખ રૂપિયા તેમજ ખોડલધામ અને સરદાર ધામ તરફથી મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં 21-21 લાખ રૂપિયાની મદદ જાહેર કરવામાં આવી છે.

અશ્વિની કુમારે રાજ્યના દાતાઓ જોગ અપીલ કરતા ઉમેર્યુ કે રાજ્યમાં કોરોના વાયરસ સામે લડવા માટે જે લોકો ફંડ આપવા માંગે છે તે મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ તમામ દાન ઇન્કમટેક્સની સેક્શન 80G અંતર્ગત કરમાંથી મુક્તિને પાત્ર છે. આમ લોકો ખુલ્લામને આગળ આવી અને દાન કરી શકે છે.

(11:17 pm IST)