Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ગુજરાત બહારવાળા બહાર અને અંદરવાળા અંદર રહી ગયાઃ હવે સરહદ પાર અશકય

જે લોકો જ્યાં અટવાયા હોય ત્યાં જ રહેવા-જમવાની સુવિધા આપવા આદેશ

રાજકોટ, તા. ૨૭ :. ભારત સરકારે કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને ૩ દિવસથી દેશવ્યાપી લોકડાઉન કરતા અનેક લોકો પરપ્રાંતમાં અટવાઈ ગયા છે. ગુજરાતના કેટલાય લોકો ઉતરાખંડ અને અન્ય રાજ્યોમાં હોવાના વાવડ છે. પરપ્રાંતના અનેક લોકો ગુજરાતમાં પ્રવાસમાં અથવા રોજગારી અર્થે આવેલા છે. સરકારે લોકડાઉનનો કડક અમલ કરાવતા બહારવાળા બહાર અને અંદરવાળા અંદર રહી ગયા છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાંથી રોજગારી માટે શ્રમજીવીઓ ગુજરાતમાં મોટા પ્રમાણમાં આવેલા છે. તેમાના ઘણા છેલ્લા કેટલાક દિવસોમાં પોતાના વતનમાં જતા રહ્યા છે. બનાસકાંઠાથી રાજસ્થાન તરફ પગપાળા જતા લોકોને પહોંચાડવા માટે બે દિવસ પહેલા સરકારે બસની વ્યવસ્થા કરેલ. ધંધા-રોજગાર આખા દેશમાં બંધ છે પરંતુ પોતાના પરિવાર સાથે રહી શકાય તે માટે અન્ય રાજ્યોના ઘણા લોકોએ ગુજરાતથી જવાનો પ્રયાસ કર્યો છે. સરકાર તેમને અટકાવી રહી છે. જો આંતરરાજ્ય આ રીતે આવ-જા ચાલુ રહે તો લોકડાઉનનો મતલબ ન રહે તેમ વિચારી કેન્દ્ર સરકારે આવી આવનજાવન પર પ્રતિબંધનો કડક અમલ કરવા રાજ્ય સરકારોને સૂચના આપી છે. ગુજરાતની અંદર રહેલા અથવા બહાર રહી ગયેલા લોકો સરહદ પાર કરી લોકડાઉન સુધી આવી શકશે નહિ કે જઈ શકશે નહિ. હવે જે લોકો જ્યાં અટવાયા છે ત્યાં તેમના માટે રહેવા-જમવાની વ્યવસ્થા ન હોય તો તે વ્યવસ્થા કરવા રાજ્યો સરકારોએ કામગીરી કરવાની રહેશે. ગુજરાત સરકાર દ્વારા આવા લોકોની ઓળખ અને યાદી તૈયાર થઈ રહી છે. તેમને લોકડાઉન સુધી જરૂરી સુવિધા અપાશે. અમુક લોકો ગુજરાતમાં જ એક ગામથી બીજા ગામમાં કે એક શહેરથી બીજા શહેરમાં અટવાઈ ગયા છે. તેમણે પણ જ્યાં છે ત્યાં જ રહેવુ પડશે.

(4:29 pm IST)