Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ કંટ્રોલમાં: સુરતમાં કોઇ જ નવા પોઝીટીવ કેસ નહિ

જાહેરનામા ભંગના ૪૧ કેસ નોંધાયાઃ શ્રમજીવીઓ વાહનોમાં ભરાઇ ભરાઇને જતા જાણે લોકડાઉનની હાંસી

વાપી તા.૨૭, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોનાની મહામારી ને રોકવા ૨૧ દિવસના લોકડાઉનની કરેલી જાહેરાતનો અમલ સંઘપ્રદેશના  દમણ તથા સેલવાસ અને સમગ્ર દ. ગુજરાત પંથકમાં મોટાભાગે થઇ રહયો છે.

સંઘપ્રદેશ તેમજ દ. ગુજરાત પંથકમાં માત્ર સુરતમાં જ કોરોનાના દર્દી હોવાનું  તથા તેમના મૃત્યુના બનાવ નોંધાયો છે. આમ છતા છેલ્લા ૨૪ કલાક થી અહિં રાહતની સ્થિતિ જણાઇ રહી છે.

સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ નવો પોઝીટીવ કેસ આવ્યો નથી. અહિં કુલ ૭ પોઝીટીવ કેસ આવેલ છે. જયારે ૪૫ કેસો નેગેટીવ આવેલ છે. જેમાં ૯ પેન્ડીંગ છે.

માત્ર શહેર જ નહિ સમગ્ર જીલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં એક પણ પોઝીટીવ કેસ આવેલ નથી. હોમ કોરોન્ટાઇન વ્યકિતઓની સંસ્થા ૩૯૮૮ છે. તો હોસ્પિટલ કોરોન્ટાઇન દર્દીની સંસ્થા ૧૧૫ ઉપર પહોંચી છેે.

અહિં નવા ૧૧ શંકાસ્પદ કેસ નોંધાયા છેે. જેમાંથી ૬ તો નેગેટીવ રિપોર્ટ આવ્યા છે. નવા શંકાસ્પદ તુર્કીસ્તાનથી આવેલી સીટીલાઇટથી મહિલા દિલ્હી, મુંબઇ, હૈદ્રાબાદ આવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓ તેમજ સ્મીમેરનો મેડીકલ સ્ટાફ તેમજ ખાનગી હોસ્પિટલના સ્ટાફના કર્મચારીનો સમાવેશ થાય છે.

કોરોના દહેશતના પગલે સમગ્ર સુરત શહેર તથા જીલ્લામાં તથા આજુબાજુમા વિસ્તારમાં નાના-મોટા ઔદ્યોગીક એકમો બંધ થઇ ગયા. તેમજ હજારો ટુ વ્હીલર અને ફોર વ્હીલર પણ અટકી જતા સુરતમાં પ્રદુષણમાં ઘટાડો જોવા મળ્યો છે.

એટલુ જ નહિ અહિ વાહનો અટકી જતા પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં આશરે ૮૫ % જેટલો ઘટાડો નોંધાયો છે. આમ તો સુરતમાં કોરોનાને ડામવા હોસ્પિટલ ઝડપથી તૈયાર થઇ ગઇ છે. ૧૬ નર્સીંગ સ્ટાફ, તબીબો તેમજ ૨૨ સર્વન્ટ એપોઇન્ટ અને ૫૦૦૦ પર્સનલ પ્રોટેકશનકીટ પરંતુ હજુ શરૂ થઇ નથી.

 આવડા મોટા સુરત શહેરની જનતાને ઘરમાં પુરી રાખવી અતિ કઠિન  છે. ઘણા લોકો હજુ પણ સ્થિતિની ગંભીરતાને સમજતા જ નથી. કયાંક તો પોલીસના હળવા બળપ્રયોગને પણ લોકો ગાંઠતા નથી.

જેથી પોલીસે વગર કામે બહાર નીકળતા અને ટોળા ટપ્પા કરનારાઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધતા અત્યાર સુધીમાં આવા ૪૧ કેસ નોંધાયા છે. એટલુ જ નહિ ૨૨૫ જેટલા વાહનો પણ ડિટેઇન કરાયા છે.

વહીવટીતંત્ર અથાગ પ્રયત્ન કરી રહયું છે. શહેરમાં લોકોની ભીડ ટાળવા તંત્રએ મોલ્સ અને દુકાનોને ૨૪ કલાક ખુલી રાખવા મંજુરી પણ આપેલ છે. એટલુ જ નહિ ખાદ્ય સામ્રગી ઘરે પહોંચાડતી કંપનીઓ તેમજ શાકભાજીની લારીવાળા ફેરીયાઓને પણ હોમ ડિલીવરી આપવાની મંજુરી આપી છે.

વાપી-વલસાડ-ઉમરગામ-ધરમપુર-કપરાડા-બીલીમોરા- નવસારી તેમજ સંઘપ્રદેશના દમણ અને સેલવાસ પંથકમાં સહભાગ્યે સ્થિતિ કંટ્રોલમાં હોવાનું જાણવા મળે છે.

(3:33 pm IST)