Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકીય ગતિવિધિ થંભી ગઇ : નવુ સંગઠન, વિસ્તરણ, બઢતી - બદલી, ચૂંટણીઓ વગેરે પાછું ધકેલાયુ

કોરોનાએ બધુ વેરવિખેર કરી નાખ્યુ, હાલ આફતમાંથી બહાર નીકળવાનો એક મુદ્દાનો કાર્યક્રમ

રાજકોટ તા. ૨૭ : રાજ્યમાં છેલ્લા પંદરેક દિવસથી કોરોના વાયરસે માંથુ ઉંચકતા તેની સીધી અસર જનજીવન તેમજ રાજકીય તેમજ વહિવટી ગતિવિધિ પર આવી છે. સમગ્ર તંત્ર અત્યારે કોરોના સામેના બચાવ અને રાહતના એક મુદ્દાના કાર્યક્રમમાં લાગી ગયું છે. બાકીની બધી બાબતો એકબાજુ રહી ગઇ છે.

રાજકીય ગતિવિધિ સંપૂર્ણ થંભી ગઇ છે. ભાજપ કોંગ્રેસનું નવું પ્રદેશ માળખું જાહેર થવા પાત્ર હતું તે વાત અત્યારે એક બાજુ રહી ગઇ છે. બજેટ સત્ર ટુંકાવું પડયું છે. નવા સંગઠનની રચના ઉપરાંત રાજ્ય મંત્રી મંડળ વિસ્તરણની શકયતાને સજ્જડ બ્રેક લાગી ગઇ છે. બોર્ડ નિગમમાં રાજકીય નિમણૂંકની કોઇ વાત જ યાદ કરતું નથી. સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીઓ તેમજ રાજ્યસભાની ચૂંટણી અનિશ્ચીત મુદ્દત માટે પાછી ધકેલાય ગઇ છે. સામાન્ય રીતે એપ્રીલ - મે મહિનામાં સરકારી અધિકારીઓની બઢતી - બદલીનો દોર આવતો હોય છે. આ વખતે તે પણ અનિર્ણિત થઇ ગયો છે. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે.

કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ખાસ સંજોગો સિવાયની કોઇ બઢતી - બદલી થવાની સંભાવના નથી. રાજકીય નિમણૂંકો પણ થશે નહિ. એક સમયે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન માટે કેટલાક લોકો પ્રયત્નશીલ જણાતા હતા. તે વાતનો પણ અત્યારે વીટલો વળી ગયો છે. પરિસ્થિતિ સંપૂર્ણ થાળે પડે પછી જ કોઇ નવી હિલચાલ થઇ શકશે.

(11:39 am IST)