Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

આનંદો ! આજથી વાતાવરણ ચોખ્ખુઃ તાપમાન ક્રમશઃ વધશે

ગઈસાંજે અનેક સ્થળોએ જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબકયો : રવિવારથી ગરમી વધતી જશે, ૪ એપ્રિલ સુધી પારો ૩૭ થી ૩૯ ડીગ્રીએ પહોંચી જશે

રાજકોટ,તા.૨૭: વેસ્ટર્ન ડિસ્ટબેન્સની અસરથી ગઈકાલે પણ રાજયના થોડા ઘણા શહેરોમાં બિનમોસમી વરસી ગયો હતો. ઉલ્લેખનિય છે કે છેલ્લા ચાર- પાંચ દિવસથી કોઈ- કોઈ જગ્યાએ માવઠાના અહેવાલ મળ્યા હતા. ગઈકાલે પણ અનેક જગ્યાએ જોરદાર પવન ફૂંકાવવાની સાથે છાંટાથી માંડી હળવો વરસાદ પડયાનું જાણવા મળે છે. દરમિયાન આજથી વાતાવરણ ચોખ્ખુ બની જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે. હવે ગરમીનો પારો ધીમે- ધીમે વધાવામાં છે. ૪ એપ્રિલ સુધી દિવસનું તાપમાન ૩૭ થી ૩૯ ડીગ્રી સુધી પહોંચી જવાની શકયતા છે.

હવામાનની ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે રાજયમાંથી હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે અને આજથી વાતાવરણ ચોખ્ખુ થઈ ગયું છે. હવે ક્રમશઃ ગરમીમાં વધારો થવાં લાગશે. આગામી ૪ એપ્રિલ સુધીમાં મહતમ તાપમાન ૩૭ થી ૩૯ ડીગ્રી સુધી પહોંચી જશે. આમ ગરમીમાં હવે ધીમે- ધીમે વધારો થવાથી બિમારી ઉપર લગામ આવવાની શકયતા છે.

દરમિયાન છેલ્લા ત્રણ- ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળતું હતું. પવનની ગતિ પણ વધુ જોવા મળેલ. ગતરાત્રીના રાજકોટ, અમદાવાદ સહિતના સ્થળોએ પવનના સુસવાટા વચ્ચે કમોસમી વરસાદ ખાબકયો હતો.

(11:39 am IST)