Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદપડે તેવા સંકેતો

હવામાન વિભાગની ચેતવણી પણ જારી કરાઈ : રાજ્યના ઘણા ભાગોમાં ગાજવિજની સાથે વરસાદનો દોર

અમદાવાદ,તા. ૨૬ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ યથાવતરીતે જારી રહ્યો છે. દક્ષિણી પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલી સ્થિતિ આગળ વધી રહી છે. મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ દક્ષિણ ગુજરાત ઉપર સર્જાયા બાદ આગળ વધતાં તેની અસર જોવા મળી છે. હળવા વરસાદની આગાહી હજુ પણ કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૩ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સુરત, વડોદરા અને આણંદમાં ઘણી જગ્યા પર ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.

          કોરોનાના કહેર વચ્ચે પણ આજે પણ રાજયમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક ક્ષેત્રોમાં કમોસમી વરસાદ અને માવઠાનો માર ચાલુ રહ્યો હતો. આજે અમદાવાદ, કચ્છ, પાલનપુર, થરાદ, પાટણ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો, સ્થાનિક લોકો ચિંતામાં મૂકાયા હતા. ખાસ કરીને સ્થાનિક ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોને કમોસમી વરસાદ અને આ માવઠાઓના કારણે પાકમાં બહુ ગંભીર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા આગામી તા.૨૯મી માર્ચ સુધી રાજયમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની પરસ્થિતિ ચાલુ રહેવાની શકયતા વ્યકત કરતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.

          ગઇકાલે રાજયમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, હળવદ, તો મહીસાગરમાં લુણાવાડા, છોટા ઉદેપુર સહિતના પંથકોમાં  કમોસમી વરસાદ નોંધાયો હતો. નસવાડીના સંખેડા સહિતના પંથકોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇ કોરોનાના કહેર વચ્ચે સ્થાનિક લોકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા તા.૨૯મી માર્ચ સુધી હજુપણં વરસાદની આગાહી કરવામાં આવી છે. એકબાજુ, ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કારણે વિશ્વમાં હજારો લોકોના મોત થયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. હાલ ગુજરાતમાં ૪૪ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

કોરોનાના ભય વચ્ચે ગુજરાતનાં ખેડૂતો પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતના ખેડૂતોને પાણી પુષ્કળ પ્રમાણમાં મળ્યું છે પરંતુ કોઈના કોઈ વિપદાના કારણે ખેડૂતોને નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ આગામી દિવસોમાં થન્ડર સ્ટ્રોમની સ્થિતિ સર્જાવાના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવે તો નવાઈ નહીં. થન્ડર સ્ટ્રોમની સ્થિતિના કારણે બનાસકાંઠા, વલસાડ, સુરત, જૂનાગઢ અને કચ્છના સામાન્ય વરસાદ પડી શકે છે. આજે પણ રાજયમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેમાં ખાસ કરીને પાલનપુર, થરાદ, પાટણ સહિતના અનેક પંથકોમાં કમોસમી વરસાદ વરસતાં રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. લોકો પણ કોરોના કહેર વચ્ચે વરસાદી વાતાવરણને લઇ ચિંતામાં મૂકાયા હતા. તો, ખેડૂતોની મુશ્કેલી પણ પાકના નુકસાનને લઇને વધી છે.

ક્યા કેટલું તાપમાન.....

અમદાવાદ, તા.૨૬ : અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

વિસ્તાર....................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૩૩.૩

ડિસા............................................................ ૨૭.૬

ગાંધીનગર ................................................. ૩૩.૪

વીવીનગર.......................................................... -

વડોદરા....................................................... ૩૫.૬

સુરત........................................................... ૩૩.૫

અમરેલી...................................................... ૩૨.૪

ભાવનગર.................................................... ૩૪.૮

રાજકોટ....................................................... ૨૯.૯

નલિયા............................................................ ૨૫

પોરબંદર..................................................... ૩૧.૪

સુરેન્દ્રનગર.................................................. ૩૦.૫

મહુવા.......................................................... ૩૨.૪

ભુજ................................................................ ૨૪

કંડલા એરપોર્ટ............................................. ૨૫.૬

કંડલા પોર્ટ................................................... ૨૬.૧

(9:30 pm IST)