Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

અમદાવાદથી લંડન સુધી વિશ્વ શાંતિ કાર રેલી થશે

૪૫ દિવસમાં ૧૫ દેશોમાં કાર રેલી જશે : ગુજરાતના રાજ્યપાલ પહેલી જૂનના દિવસે સાબરમતી આશ્રમથી રેલીને લીલીઝંડી આપશે : સામાજિક ઉદ્દેશ્યો

અમદાવાદ, તા. ૨૭ : અમદાવાદથી લંડન કાર રેલી મારફતે શાંતિનો સંદેશો ફેલાવવામાં આવશે. વિશ્વ શાંતિ કાર રેલી ૪૫ દિવસના ગાળામાં ૧૫ દેશોને આવરી લઇને ૧૭૦૦૦ કિલોમીટર અંતર કાપશે. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી અમદાવાદના ઐતિહાસિક સાબરમતી આશ્રમથી વર્લ્ડ પીસ રેલી એટલે કે વિશ્વ શાંતિ રેલીને લીલીઝંડી આપશે. પહેલી જૂન ૨૦૧૯ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આવાસથી આને લીલીઝંડી આપવામાં આવનાર છે. આ રેલી ૪૧ દિવસ સુધી ચાલશે જે ભારત નેપાળ, રશિયા, કઝાકિસ્તાન, બેલારુસ, પોલેન્ડ, ચેકગણરાજ્ય, ઓસ્ટ્રિયા, જર્મની, ફ્રાંસ, બેલ્જિયમ, નેધરલેન્ડ જેવા દેશોના ૧૦૦ શહેરોને આવરી લેશે. ઇંગ્લેન્ડના લંડનમાં આંબેડકર હાઉસ ખાતે વિશ્વ શાંતિ કાર રેલીની પૂર્ણાહૂતિ થશે. સાઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બ્રિજમોહન સુદે વર્લ્ડ પીસ કાર રેલીમાં ભાગ લેનાર લોકો અને કાર રેલીના સંદર્ભમાં વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ કાર રેલીમાં ૪૦થી ૫૦ સભ્યો રહેશે જે ૧૦થી ૧૫ એસયુવીમાં મુસાફરી કરશે. વર્લ્ડ પીસ કાર રેલીનું નેતૃત્વ પૂર્વ આઈપીએસ ઓફિસર એકે પવાર કરશે. શ્રી સાંઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પહેલને કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી જનરલ વીકે સિંહ પણ સમર્થન આપી ચુક્યા છે. નોંધ લેવા બાબત એ છે કે, આ રેલીની રજિસ્ટ્રેશન ફી તરીકે ઉપયોગ કરવામાં આવનાર રકમનો ઉપયોગ વંચિત પરિવારો હેઠળ આવતી બાળકીઓના શિક્ષણ ઉપર ખર્ચ કરવામાં આવશે. બીજી નોંધવા લાયક બાબત એ છે કે, શ્રી સાંઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ ૧૫થી ૨૦ વર્ષની વયના છ બાળકોના સ્પોન્સરટ્રીપનું આયોજન કરશે. જે હેઠળ એવા બાળક હશે જેમના પિતા ભારતીય સેનામાં, આઈએએફ, નેવી, સીઆરપીએફ, બીએસએફ અને પોલીસમાં શહીદ થઇ ચુક્યા છે. આ કાર રેલીની અન્ય એક વિશેષતા એ છે કે, પ્રવાસમાં તેમને મદદરુપ થઇને શહીદ જવાનોના બાળકોને મદદ કરવામાં આવશે. લોકો શહીદોના બાળકોને સંભવિત મદદ કરી શકે છે. 

(10:20 pm IST)