Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સુરતમાં બેગમાંથી નવજાત બાળકી મળતાં ખળભળાટ

નવજાત બાળકીને તરછોડનાર માતા સામે આક્રોશ : બેગમાંથી એક સગર્ભાની સ્લીપ પણ મળી આવી : બેગમાં રડતી બાળકીનો અવાજ સાંભળીને વટેમાર્ગુનું ધ્યાન ગયુ

અમદાવાદ, તા.૨૭ : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એક વડ નીચેથી એક બેગમાંથી નવજાત બાળકી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બેગમાંથી એક સગર્ભા યુવતીની સ્લીપ પણ મળી આવતાં તેના આધારે હવે સ્થાનિક પોલીસે બાળકીની માતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, નવજાત બાળકીને આ પ્રકારે બેગમાં મૂકી પલાયન થઇ જનારી માતા સામે સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એક વડ નીચેથી એક બેગમાંથી બપોરે સખત ગરમીમાં એક રાહદારીને બાળકી રડવાનો અવાજ આવતો હતો. જેથી તેનું ધ્યાન આ બેગ પર પડયું હતુ અને તેથી તેણે કૂતુહલવશે બેગ ખોલી તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને જોઇ પહેલાં તો તે ચોંકી ઉઠયો હતો અને થોડો ગભરાઇ ગયો હતો. બાદમાં તરત ૧૦૮ને જાણ કરાતાં ૧૦૮ના ઈએમટી અલ્પેશ બિઢોણ અને પાયલોટ ઉદય દવે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમ દ્વારા તાત્કાલિક નવજાત બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની પ્રાથમિક તપાસ કરતા તંદુરસ્ત હોવાનું જણાયું હતું. દરમ્યાન બેગની તપાસ કરતા ૧૦૮ સાયણ લોકેશનની ગાડીની દર્દીની માહિતી ભરેલી સ્લીપ મળી આવી હતી. જેમાં દર્દીનું નામ નિશા આર. સોલંકી લખેલુ હતું. તા.૨૨મીના રોજ જીવન રક્ષા હોસ્પિટલથી ૧૦૮ સાયણની ગાડીમાં સગર્ભાને લઈને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હોવાનો ઉલ્લેખ સ્લીપમાં કરવામાં આવ્યો છે. જેથી આ મહિલાએ બાળકી તરછોડી હોવાની પ્રબળ આશંકા હોઇ હવે સ્થાનિક પોલીસે તે દિશામાં પણ સઘન તપાસ આરંભી છે. હાલ નવજાત બાળકીની સારસંભાળ સિવિલ હોસ્પિટલનો રાખી રહ્યો છે. તો, બેગમાંથી થાળી-વાટકા પણ મળી આવ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક લોકોમાં નિષ્ઠુર જનેતા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો.

 

(10:19 pm IST)