Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કુર્મી પટેલોના વોટ માટે કોંગ્રેસ હાર્દિક પટેલની સહાય મેળવશે

યુપીના સ્ટાર પ્રચારકોમાં ગુજરાતમાંથી હાર્દિક : યુપીના રાજકારણમાં યાદવ બાદ સૌથી વધુ મતદારો કુર્મી પટેલો હોવાથી ફરીવાર પાટીદાર ફેકટર મહત્વપૂર્ણ રહેશે

અમદાવાદ,તા. ૨૭ : લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય ગતિવિધિઓ અને પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે ત્યારે સૌથી વધુ વસ્તી ધરાવતાં રાજય એવા ઉત્તરપ્રદેશમાં કુર્મી પટેલોની વોટ બેંક માટે કોંગ્રેસ ગુજરાતમાંથી હાર્દિક પટેલ મારફતે પ્રચાર કરાવી કુર્મી પટેલોને આકર્ષશે. ઉત્તરપ્રદેશના રાજકારણમાં યાદવો બાદ સૌથી વધુ મતદારો કુર્મી પટલો હોવાથી ફરી એકવાર પાટીદાર ફેકટર મહત્વનું સાબિત થાય તેમ છે તેથી જ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્તરપ્રદેશના કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ગુજરાત કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના નામની પસંદગી કરી છે. તાજેતરમાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે.

૪૦ સ્ટાર પ્રચારકોની આ યાદીમાં ગુજરાત કોંગ્રેસમાંથી ૧૫ દિવસ પહેલા જ પક્ષમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલનું એકમાત્ર નામ છે. કોંગ્રેસે ઉત્તરપ્રદેશના ૮ ટકા કુર્મી-પટેલોના મત લેવા માટે હાર્દિક પટેલને સ્ટાર કેમ્પેઈનર બનાવ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં પરેશ ધાનાણી, સિદ્ધાર્થ પટેલ અને વિરજી ઠુંમર જેવા ઘણા અનુભવી પાટીદાર નેતા હોવાછતાં કોંગ્રેસે હાર્દિકને વધુ મહત્વ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, યાદવો બાદ સૌથી મતદારો કુર્મી છે. ગુજરાતના પટેલો અને યુપીના કુર્મી એક જ હોવાનું માનવામાં આવે છે. આમ, ઉત્તરપ્રદેશના રાજકારણમાં યાદવો બાદ સૌથી વધુ મતદારો કુર્મી પટલો હોવાથી ફરી એકવાર પાટીદાર ફેકટર મહત્વનું સાબિત થાય તેમ છે તેથી જ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉત્તરપ્રદેશના કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ગુજરાત કોંગ્રેસમાંથી હાર્દિક પટેલને પ્રચારમાં ઉતારવામાં આવશે અને કુર્મી પટેલોની વોટ બેંક આકર્ષવામાં આવશે. કોંગ્રેસનો આ રાજકીય દાવ સફળ થાય તો, ભાજપ નિશંકપણે બેકફુટ પર આવી શકે.

 

(10:05 pm IST)