Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હાર્દિકને કાયદાનો ડર નથી અને તેને કાયદા માટે માન પણ નથી

હાર્દિકના કેસમાં સરકાર તરફથી કોર્ટમાં જવાબ રજૂ : હાર્દિકની સામે રાજદ્રોહ સહિત ૩૦ કેસો : હાર્દિક જયારે બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે : સરકાર દ્વારા આક્ષેપો

અમદાવાદ,તા.૨૭ : વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે માંગતી હાર્દિક પટેલની રિટ અરજીના કેસમાં આજે રાજય સરકાર તરફથી મહત્વપૂર્ણ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, હાર્દિક પટેલને કાયદાનો કોઇ ડર નથી, તેણે ઘણા આંદોલનો કર્યા છે અને કોર્ટમાં આપેલી બાંહેધરી કે શરતોનું પણ પાલન કર્યું નથી. હાર્દિકની સામે રાજદ્રોહ સહિતના ૩૦ કેસો નોંધાયેલા છે. હાર્દિક જયારે બોલે છે ત્યારે લોકોને ભડકાવે છે અને કોમી વૈમનસ્યનું વાતાવરણ ફેલાવે છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલે રાખી હતી. સરકારપક્ષ તરફથી વધુમાં જણાવાયું કે, હાર્દિકને કાયદા માટે માન નથી. તે ગમે તેટલા આંદોલનો કરે કે કોઇ રાજકીય પાર્ટીમાં જોડાય તેની સામે સરકારને કોઇ આપત્તિ હોઇ ના શકે પરંતુ જયાં કાયદાના ભંગની વાત આવે છે, તેની સામે આપત્તિ છે. હાર્દિકે જામીનના નિયમો અને શરતોનું પાલન નથી કર્યું તે આપત્તિની વાત છે, તે પરથી હાર્દિકને કાયદા માટે માન નથી તે વાત પ્રસ્થાપિત થાય છે. આ સંજોગોમાં વિસનગર કોર્ટે કેસના તમામ પાસાઓ અને પુરાવાઓ ધ્યાનમાં લીધા બાદ જ એ કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠરાવ્યો હતો અને સજા ફરમાવી હતી. આમ, હાર્દિકને દોષિત ઠરાવતો ટ્રાયલ કોર્ટનો હુકમ બિલકુલ યોગ્ય, વાજબી અને કાયદા સાથે સુસંગત હોઇ હાઇકોર્ટે હાર્દિકની આ અરજી ફગાવી દેવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમને પડકારતી કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજીમાં ગઇકાલે હાઇકોર્ટે વ્યકત કરેલી નારાજગી બાદ આજે રાજય સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં  આવ્યો હતો. માટે સમયની માંગણી કરવામાં આવતાં હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.  હાર્દિકને થયેલી બે વર્ષની સજા પર તો સ્ટે આપ્યો છે, પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. જેના કારણે તેને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. આ સંજોગોમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના તેને દોષિત ઠરાવતા હુકમ સામે પણ સ્ટે ફરમાવવો જોઇએ.

હાર્દિક સામે કેસ.........

પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે અગાઉ કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.

 

 

 

 

અમિત શાહ જીતના સંકલ્પ સાથે નામાંકન દાખલ કરશે

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ૩૦મીએ નામાંકન : ચાર કિલોમીટર સુધી રોડ શો પણ યોજાશે : જીતુ વાઘાણી

અમદાવાદ,તા.૨૭ : આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, એક બૂથના કાર્યકરથી શરૂઆત કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચી પૂર્વોત્તર રાજ્યોથી લઇ સમગ્ર દેશમાં ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારાને વ્યાપક રીતે પ્રસ્થાપિત કરનાર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગામી તારીખ ૩૦ માર્ચ, ૨૦૧૯ના રોજ ગાંધીનગર લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભરશે. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અમિત શાહ નામાંકન ભરતા હોય તે ઐતિહાસિક ક્ષણને વધાવવા હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે ૯.૦૦ કલાકે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં મેગા રોડ-શો યોજવામાં આવશે. અમિત શાહ તેમના નારણપૂરા ખાતે આવેલ જૂના નિવાસસ્થાન પાસેની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કરી આ મેગા રોડ-શોની શરૂઆત કરશે. ત્યાંથી આગળ વધતાં પલ્લવ ચાર રસ્તા - શાસ્ત્રીનગર - પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી આશરે ૪ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. આ રોડ-શોના સમાપન બાદ અમિત શાહ ગાંધીનગર મુકામે પહોંચશે, જ્યાં સેકટર-૬/૭ના બસસ્ટેન્ડ થી પથિકાશ્રમ સુધી ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી માનવ સાંકળનું નિર્માણ કરી અમિત શાહને વધાવશે.

આવા ઉત્સાહજનક વાતાવરણમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્વલંત વિજયના સંકલ્પ સાથે કલેક્ટર કચેરી ખાતે નામાંકન દાખલ કરશે. વાઘાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ ગાંધીનગર લોકસભા બેઠક પર જાહેર થતાની સાથે જ કોંગ્રેસની તમામ વ્યવસ્થાઓ ખોરવાઇ ગઇ છે ત્યારે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાનું કમળ ખીલશે તે નિશ્ચિત છે.  

(10:04 pm IST)