Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સહાયક વાણિજ્યક વેરા કમિશ્નર ૨૧ હજારની, વન વિભાગના ઓફિસ સુપ્રિ. ૧૪ હજારની લાંચમાં એસીબી છટકામાં ઝડપાયા

ચૂંટણીની મોસમ વચ્ચે લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોની લાંચીયાઓ પર બાજ નજર : અમદાવાદના વધુ એક ટેકસ ઓફિસર તથા વડોદરાના વન સંરક્ષક વિભાગના ઓફિસ સુપ્રિ. સામે કાર્યવાહીઃ એસીબી વડા કેશવકુમારની ઝુંબેશ આગળ વધી

રાજકોટ, તા. ૨૭ :. અમદાવાદમાં સહાયક વાણિજ્યક વેરા કમિશ્નર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ સાંડપાને એક જાગૃત નાગરિકની ફરીયાદ આધારે રૂ. ૨૧ હજારની લાંચ લેતા અમદાવાદ એસીબીના મદદનિશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવિઝન હેઠળ અમદાવાદ શહેર એસીબી પીઆઈ વી.એ. દેસાઈ તથા ટીમે ઝડપી લીધા હતા.

આરોપી સામે એવા પ્રકારની ફરીયાદ હતી કે ૨૦૧૪-૧૫ના ટેકસની આકારણી નોટીસ પેનલ્ટી રકમમાં ઘટાડો કરવા માટે ૨૧ હજારની લાંચ માગી હતી. એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સહાયક વાણિજ્યક વેરા કમિશ્નરને તેમની ચેમ્બરમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા.

એસીબી દ્વારા વડોદરામાં મુખ્ય વન સંરક્ષકની કચેરીમાં કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ સોલંકી સામે એક જાગૃત નાગરીક દ્વારા થયેલી ફરીયાદ આધારે રૂ. ૧૪ હજારની લાંચના છટકામાં વડોદરા એસીબીના મદદનિશ નિયામક પી.એમ. પરમારના માર્ગદર્શનમાં વડોદરા એસીબી પી.આઈ. આર.એન. રાઠવાએ છટકુ ગોઠવી ઝડપી લીધા હતા. આરોપી સામે ફરીયાદીએ એ વા આરોપની ફરીયાદ કરી હતી કે, તેમના ધંધા માટે રખાતા વૃક્ષોને કાપવાની પરવાનગીની અરજી મુખ્ય વન સંરક્ષક કચેરી વડોદરાને મોકલવા અરજી કરેલ. તત્કાલીન હેડ કલાર્ક અને હાલ કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ સોલંકીએ આ માટેની મંજુરી મેળવી દેવા માટે ૧૪ હજારની લાંચની માંગણી કરેલ. ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ છટકુ ગોઠવી ઝડપી લીધેલ. એસીબી વડા કેશવકુમાર દ્વારા મોટામાથાઓને ઝડપવાના ઝુંબેશ ચૂંટણી મોસમ છતા યથાવત ચાલી રહી છે.

(3:45 pm IST)