Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

GPCBએ લીધેલા સાબરમતીના પાણીના નમૂનામાં ખુલાસોઃ નદી અત્યંત પ્રદૂષિત

નદીનાં પાણી નમૂનાની તપાસમાં જે વિગતો આવી છે તે એક રીતે સર્વોચ્ચ અદાલતમાં કન્ટેન્પ્ટ ઓફ કોર્ટ ગણાયઃ રોહિત પ્રજાપતિ

અમદાવાદ, તા.૨૭: અમદાવાદ શહેરમાંથી પસાર થઇ ખંભાતનાં અખાતમાં મળતી સાબરમતી નદી લગભગ મૃત્યુ પામી છે અને સુક્કીભઠ્ઠ થઇ ગઇ છે. આ સિવાય, સાબરમતી નદીમાં શહેરની ગટર અને ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી ભળતા ભુગર્ભજળ અને તેના પર નભતા લોકોની સ્થિતિ કફોડી બની છે.

સાબરમતી નદીનું પાણી કેટલુ પ્રદુષિત છે તેનાં ચોંકાવનાર આકંડા બહાર આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ ભયંકર વિગતો બહાર આવી છે.

પર્યાવરણ સુરક્ષા સમિતિ દ્વારા આજે આ અંગે એક પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

પર્યાવરણનાં મુદ્દે લડતા રોહિત પ્રજાપતિએ જણાવ્યું કે, ૧૨ માર્ચ ૨૦૧૯ના રોજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાંત અધિકારી તુષારભાઈ શાહ અને નેહલબહેન અજમેરા તેમજ પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ તથા કૃષ્ણકાંત, અમદાવાદના સામાજિક કાર્યકર મુદિતા વિદ્રોહી તથા ગુજરાત હાઇકોર્ટના વકીલ સુબોધ પરમારની ટીમે સુપ્રીમ કોર્ટના ૨૨.૦૨.૨૦૧૭ના રીટ પીટીશનનાં ચુકાદાના અમલીકરણના સંદર્ભમાં અમદાવાદ તરફના સાબરમતી નદીના વહેણમાં ઉદ્યોગોનું એફ્લ્યુએન્ટ અને ગટરના ગંદા પાણી બાબતે એક સંયુકત તપાસ હાથ ધરી હતી. આ તપાસ દ્વારા ખુબ જ ચોંકાવનારા પરિણામો બહાર આવ્યા છે અને અમદાવાદમાં ''વહેતી'' સાબરમતી તથા તેની આસપાસ સાબરમતી નદીની તેમજ તે પછી નીચેવાસમાં ૧૨૦ કિલોમીટર વહેતી નદી ગંભીર રીતે પ્રદુષિત છે તે દર્શાવે છે.

અમદાવાદ શહેરમાં પ્રવેશે ત્યારે સાબરમતી નદીમાં એક ટીપું પણ પાણી નથી. સાબરમતી રીવરફ્રન્ટ માત્ર પ્રદુષિત ગંદા પાણીથી ભરેલા હોજ સામાન છે. રિવરફ્રન્ટ પછી નદીના નીચેવાસમાં નદીનું પોતાનું બિલકુલ પાણી જ નથી. રીવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે તે માત્ર નરોડા, ઓઢવ, વટવા, નારોલના ઉદ્યોગોનું એફ્લ્યુએન્ટ અને આખા અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહે છે. સાબરમતી નદીમાં પોતાનું પાણી જ નથી, વળી રીવરફ્રન્ટ બનવાના કારણે ભૂગર્ભજળમાં આ પાણી ઉતરતું બંધ થયું આથી અમદાવાદે પોતાના વપરાશ માટે નર્મદાના પાણી પર આશ્રિત રહેવું પડે છે આજે તો નર્મદા બંધ પોતે પણ ગંભીર સ્થિતિમાં છે. રોહિત પ્રજાપતિએ જણાવ્યુ.

પર્યાવરણ સુરક્ષા સમિતિનાં કાર્યકરોએ કહ્યું કે, પ્રદૂષણ કરનાર ઉદ્યોગો જેઓ પોતાના કેમિકલયુકત ઝેરી પ્રવાહી કચરાને તેમજ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન જે પોતાના પ્રદુષિત ગંદા ગટરના પાણીને ટ્રીટમેન્ટ કાર્ય વગર અથવા ખુબ નબળી ટ્રીટમેન્ટ કરીને સાબરમતી નદીમાં છોડી દે છે, તેની સામે પાયાનો સવાલ ઉભો કરે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો (એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટના નક્કી કરેલા ધોરણો જાળવવા, સતત ચકાસણી કરવી અને જે તેનું પાલન ન કરે તેવા ઉદ્યોગોને બંધ કરવા અને ધોરણોનું કડકપણે પાલન કરાવવું, ૩-૦૮-૨૦૧૮ તથા ૧૯-૦૨-૨૦૧૯ના રોજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, પ્રિન્સીપાલ બેંચ, દિલ્લી, ૨૦૧૭ની મૂળ અરજી નંબર ૫૯૩ -પર્યાવરણ સુરક્ષા સમિતિ અને & Anr. V/s Union of India & Ors ના જવાબમાં) આવ્યા પછી પણ સાબરમતી નદીને પ્રદૂષણથી બચાવવાની તેમની ફરજ અદા કરવામાં નિષ્ફળ ગયા છે.

પર્યાવરણનાં મુદ્દે લડતા મહેશ પંડ્યાએ જણાવ્યું કે, સાબરમતી નદીની ભયંકર ખરાબ અને નિરાશા ઉપજાવે તેવી સ્થિતિ અમદાવાદના રહેવાસીઓ તેમજ નીચેવાસમાં સાબરમતી નદીની આસપાસ રહેતાં લોકો માટે અતિગંભીર બાબત છે જેઓ પોતાના રોજીંદા વપરાશ માટે નદીના પાણી પર આધાર રાખે છે. સાબરમતી નદીના અતિ પ્રદૂષિત પાણીને લીધે ઉભી થતી સ્થિતિમાં, પર્યાવરણ અને મનુષ્યો ઉપર ઉભા થતા ગંભીર ખતરાઓમાં મુખ્ય છે. તેને કારણે ભૂગર્ભજળ ઝેરી બનતા જઈ રહ્યા છે. ખોરાક જે અનાજ/શાકભાજી વાટે લોકો સુધી પહોંચે છે તે ઝેરી બનતા જઈ રહ્યો છે અને સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરે છે. નદીની આસપાસની પ્રાકૃતિક જીવસૃષ્ટિનો નાશ, સતત નીચે જઈ રહેલું ભૂગર્ભજળ, પાણીનું જમીનમાં રીચાર્જનું અટકવું અને પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનો વિનાશ વગેરે મુખ્ય છે. આ તપાસ અહેવાલ જોતાં તત્કાલ અસરથી આ પરિસ્થિતિને સુધારવા માટે પગલાં લેવા જરૂરી છે. જેના દ્વારા સાબરમતી નદીને ફરીથી જીવતી કરી શકાય અને તેના પાણીની ગુણવત્ત્।ા સુધારી શકાય. આ બધું કરવા માટે સૌ પ્રથમ સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાનું કડક અમલીકરણ થાય તે જરૂરી છે.

(3:27 pm IST)