Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દુબઇથી ૭૨ બેગ લીધા વિના અમદાવાદ ઉતરી સ્પાઇસ જેટની ફલાઇટઃ યાત્રીઓના હાલબેહાલ

દુબઇથી જ સામાન લોડ થયો ન્હોતો

અમદાવાદ, તા.૨૭: સ્પાઈસજેટની ફ્લાઈટ SG-૧૬માં રવિવારે રાત્રે દુબઈથી અમદાવાદ આવનારા યાત્રીઓ માટે આ જર્ની દુઃસ્વપ્ન જેવી બની ગઈ હતી. એક યાત્રીએ વ્યથા ઠાલવતા કહ્યું, ''અમારી ફ્લાઈટ લગભગ પાંચ કલાક મોડી હતી. અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે સવારે ચાર વાગ્યા હતા. મારા માતા-પિતા અને બાળકો થાકી ગયા હતા અને અમે બસ અમારો સામાન લઈને ઘરે જઈ આરામ કરવા માંગતા હતા. પરંતુ બેગેજ બેલ્ટ પર અમારો સામાન આવવાનું નામ નહતો લેતો.'' માત્ર એક નહિ, બધા યાત્રીઓની આવી જ હાલત હતી. બીજા પેસેન્જર પણ હતા જે ખૂબ જ ઊંદ્યમા હતા અને થાકી ગયા હતા અને બેગેજ બેલ્ટ પર લાંબો સમય પોતાના સામાનની રાહ જોઈ રહ્યા હતા. અડધા કલાક પછી તેમણે જયારે એરલાઈન્સમાં તપાસ કરી તો તેમને ખબર પડી કે દુબઈથી તેમનો સામાન લોડ જ નથી થયો.

પૂછવામાં આવતા સ્પાઈસ જેટના ઓફિસરોએ કન્ફર્મ કર્યું કે પેલોડ રિસ્ટ્રિકશનને કારણે દુબઈથી ૭૨ જેટલા બેગેજ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા જ નથી. એક યાત્રી કહે છે, ''અમે તપાસ કરી ત્યાં સુધી તો અમને ખ્યાલ પણ નહતો કે અમારો સામાન નથી આવ્યો. એરલાઈનના પ્રતિનિધિઓએ અમારી પાસે ફોર્મ ભરાવ્યા અને પછી અમે દ્યરે જવા નીકળ્યા. અમને જણાવાયું કે સામાન દ્યરે પહોંચી જશે.''

સ્પાઈસ જેટે સ્ટેટમેન્ટમાં જણાવ્યું, ''૨૪ માર્ચે દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટ SG-૧૬માં ૭૨ જેટલી બેગ વિના ઉડાન ભરવી પડી હતી. ટેક ઓફના વજન પર નિયંત્રણ આવતા ફ્લાઈટે આ નિર્ણય લેવો પડ્યો હતો. પે લોડ રિસ્ટ્રિકશન હોય ત્યારે ઈન્ડસ્ટ્રીમાં આવું થતું હોય છે.'' એરલાઈનના પ્રવકતાઓએ કન્ફર્મ કર્યું કે સામાન અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયો છે અને તેમની ટીમ આ પેસેન્જર્સને પહોંચાડવાની દિશામાં કામ કરી રહી છે.

ફ્લાઈટ રવિવારે રાત્રે ૧૧.૩૫ વાગ્યે અમદાવાદ લેન્ડ થવાની હતી, તેના બદલે તે રાત્રે ૩.૫૦એ લેન્ડ થઈ હતી. ફ્લાઈટ પાંચ કલાક મોડી પડવા પાછળનું કારણ જણાવતા સૂત્રોએ જણાવ્યું, ''DGCAના પ્રતિબંધને પગલે એરલાઈનના અનેક બોઈંગ ૭૩૭ મેકસ એરક્રાફ્ટ વપરાશમાં લેવાતા નથી. આ કારણે એરલાઈનને ઓપરેશન્સમાં મુશ્કેલી પડી રહી છે. આ કારણે અમદાવાદ આવતી દુબઈની ફ્લાઈટ ચાર કલાક મોડી ઉપડી હતી.''

(3:27 pm IST)