Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગુજરાતમાં સંવેદનશીલ - અતિસંવેદનશીલ વિસ્તારો જાહેર કરવામાં ચૂંટણી પંચને બ્રેકઃ આ છે રહસ્ય

બન્ને પક્ષના ઉમેદવાર કેવા છે ? તેમના ટેકેદારો કોણ છે ? જે તે શહેર-ગામની સંવેદનશીલતા-અતિસંવેદનશીલતા અને ભૂતકાળના અનુભવની સાથે વર્તમાન સ્થિતિ પણ તંત્ર ધ્યાને લ્યે છેઃ ઉમેદવારો નક્કી કરવામાં બન્ને પક્ષની ઢીલથી તંત્ર ગોટે ચઢયું: દેશના તમામ રાજ્યોની બોર્ડર પર નાકાબંધીને કારણે ગુજરાતમાં બુટલેગરો માટે દારૂ ઘુસાડવો અઘરો, પ્યાસીઓની પ્યાસ બુઝાવવા અને વધુ રકમ કટકટાવવા જતા ૪.૭૭ કરોડનો દારૂ પકડાયો

રાજકોટ, તા. ૨૭ :. ભારતીય જનતા પક્ષ દ્વારા લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૧ બેઠકને અપવાદ રાખી બાકીની બેઠકો ફટાફટ જાહેર કર્યા બાદ બાકીની ૧૦ બેઠકોમાં કોને ઉમેદવાર બનાવવા ? તેની મથામણ હજુ પુરી ન થવાથી અને બીજી તરફ કોંગ્રેસ પણ ચોક્કસ રણનીતિ મુજબ ભાજપના ઉમેદવારના નામો જોઈ ઉમેદવાર નક્કી કરવામાં વિલંબ કરી રહી હોવાથી ગુપ્તચર બ્યુરો, પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બેઠકો જાહેર કરવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. ઉમેદવારો કેવા બળીયા છે ? કઈ પાર્ટીમાંથી છે ? કયા શકિતશાળી સમાજમાંથી આવે છે ? સામેના ઉમેદવાર અને બન્ને પક્ષના ટેકેદારો જાહેર અને ખાનગીમાં કેવા છે ? તેના ખાનગી તારણ બાદ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બેઠકો નક્કી થતી હોય છે.

બહુ ઓછાને જાણ હશે કે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બેઠકો નક્કી કરવા માટે ચૂંટણી પંચના ટોચના અધિકારી, કલેકટર અને એસપી આઈબીના રીપોર્ટ સાથે ચર્ચા વિચારણા કરી બેઠકોની સંવેદનશીલતા નક્કી કરતા હોય છે. જે આધારે ચૂંટણી પંચ તે મુજબ નિર્ણય કરી ઓફિશ્યલ રીતે આવી સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બેઠકો જાહેર કરતા હોય છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બેઠકો જાહેર કરવામાં ભૂતકાળના અનુભવો પણ ધ્યાને લેવાતા હોય છે. ભૂતકાળમાં જે તે ક્ષેત્રના વિસ્તારમાં થયેલી બઘડાટી તે વિસ્તારમાં વસતા ચોક્કસ પ્રકારના માથાભારે લોકો અને લોકોની ફરીયાદો આધારે ભૂતકાળમાં જે તારણ કઢાયુ હોય છે તે મુજબ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો જાહેર થતા હોય છે. આવા વિસ્તારોમાં અર્ધ લશ્કરી દળની ટુકડીઓ જે તે લોકસભા વિસ્તારના બુથ મુજબ ગોઠવવામાં આવતી હોય છે. પોલીસ પેટ્રોલીંગ તે મુજબ કરવામાં આવતુ હોય છે. આવા મથકો પર પોલીસના અનુભવી અને કાયદો વ્યવસ્થા સારી રીતે સંભાળી શકે અને કોઈ માથાકુટ થયે બન્ને પક્ષને સારી રીતે સમજાવી શકે તેની પસંદગી થતી હોય છે, પરંતુ આ બધા કાર્ય માટે વર્તમાનમાં કયા પક્ષે કોને ટીકીટ આપી છે ? સામે પક્ષે કોણ છે ? અપક્ષ કોણ છે ? આ બધાના ટેકેદારો કયા પ્રકારના છે ? તે બાબતો ખૂબ જ મહત્વની બનતી હોય છે. જે અપડેટ ખૂબ જરૂરી હોય છે. ચૂંટણી આડે ટુંકો સમય છે, ત્યારે બન્ને પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં થયેલ ઢીલના કારણે તંત્રની ગાડી પણ અટકી પડી છે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વચ્ચે પાયાનો તફાવત એ છે કે, દેશમાં તમામ રાજ્યોમાં ચૂંટણી છે અને દેશના તમામ રાજ્યોની બોર્ડર પર કડક જાપ્તો છે પરિણામે ગુજરાત જેવા દારૂબંધીવાળા વિસ્તારમાં બહારથી દારૂ ઘુસાડવો મુશ્કેલ બની રહ્યો છે. આમ છતા ગુજરાતમાં માત્ર ૧૬ દિવસમાં ૪.૭૭ કરોડનો દારૂ ઝડપાયો છે. પ્યાસીઓ આવા કડક જાપ્તાના કારણે મુંઝવણમાં મુકાયા છે.

(11:53 am IST)