Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આ ચા તો મોંઘી પડે

'ચાયવાલા' વડાપ્રધાનના રાજ્યમાં ચા પરના ખર્ચ અને ભાવબાંધણુ થતાં ભાજપ - કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ તા. ૨૭ : ચાયવાલા વડાપ્રધાનના રાજયમાં પ્રચાર દરમિયાન ચા પર થતા ખર્ચા અને ભાવને બાંધી દેવામાં આવતા ભાજપ જ નહીં કોંગ્રેસે પણ ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.

 

તાજેતરમાં ડિસ્ટ્રિકટ કલેકટર્સ દ્વારા રાજયના તમામ લોકસભા ક્ષેત્રોમાં બેઠક આધારે ચા માટે ખર્ચ નિર્ધારીત કરી દેવામાં આવ્યો છે. જેમાં એક કપના રૂ.૧૨, રૂ. ૧૦ અને રૂ.૮ નક્કી કરવામાં આવ્યા છે. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર જેટલા કપ ચા લે તેનો ખર્ચ ચૂંટણી ખર્ચમાં પ્રતિ ફૂલ કપ ગણવામાં આવશે. જયારે પ્રતિ ઉમેદવાર પ્રચાર માટે રૂ. ૭૦ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે ભાજપ અને કોંગ્રેસ બંનેએ એકસાથે આનો વિરોધ કરતા કહ્યું છે કે ચાના કપના ભાવ ફકત ફૂલ કપના આધારે નક્કી કરવા જોઈએ નહીં, ઉમેદવાર પાસે કટિંગ ચા કે અડધી ચા માટેનો પણ ઓપ્શન હોવો જોઈએ.

બંને પાર્ટીઓએ રસ્તા પર ચાના સ્ટોલને ગુજરાતની આગવી સંસ્કૃતિ ગણાવી કહ્યું છે કે મોટાભાગના ગુજરાતીઓ ફૂલ કપ ચા પીવાની જગ્યાએ કટિંગ કે હાફ કપ ચા પીવાનુ પસંદ કરે છે. આ રીતે કટિંગ ચાનો ભાવ પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ ચાના ભાવ કરતા અડધો અડધ હોય છે. જેથી ઉમેદવારની ખર્ચ મર્યાદામાં પણ તે જ પ્રમાણે ગણતરી કરવી જોઈએ.

અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદ વેસ્ટ માટે જવાબદાર જિલ્લા કલેકટર કચેરી દ્વારા પ્રચાર દરમિયાન એક ચાના કપનો ભાવ રૂ.૧૨ નક્કી કર્યો છે. જેનો ભાજપ-કોંગ્રેસ બંનેએ વિરોધ દર્શાવ્યો છે. બંને પક્ષોએ લેખીતમાં અરજી આપતા ચાના ભાવ ફૂલ કપ માટે રૂ.૧૦ અને અડધા કપ માટે રુ. ૫ નક્કી કરવા અપીલ કરી છે. આ જ ભાવ ૨૦૧૪ની લોકસભા અને ૨૦૧૭ની વિધાનસભા વખતે પણ નક્કી કરવામાં આવ્યા હતા. જયારે અમદાવાદ શહેરમાં ચાના સ્ટોલ જેને સ્થાનિક ભાષામાં કિટલી કહેવાય છે તેના પર ચાના ફૂલ કપનો ભાવ ૧૫-૨૦ રૂપિયા હોય છે જયારે કટિંગ ચાનો ભાવ રૂ. ૧૦ હોય છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી જુનેદ શૈખે કહ્યું કે, 'પ્રચાર કાર્યક્રમમાં ફરતા કાર્યકર્તાઓને પોતાની જાતને ફ્રેશ રાખવા એકથી વધુ વખત ચા પીવાની આદત હોય છે. જેમ વાહનોને રિફયુલ કરવામાં આવે છે તેમ ચા પીવાથી તાજગી અને ફ્રેશનેસ સાથે કામ કરી શકાય છે જોકે આ ચા ફૂલ કપની જગ્યાએ અડધો અડધો કપ જ પીવામાં આવતી હોય છે. જો પાર્ટીઓને કટિંગ ચા માટે પંચ દ્વારા ઓપ્શન નહીં આપવામાં આવે તો ઉમેદવારનો ખર્ચ ખૂબ જ વધી જશે જેથી ચાના ખર્ચમાં જ નિર્ધારિત કરેલી મર્યાદા જલ્દી પહોંચી જશે. અમે માગણી કરી છે કે અડધી ચા માટે રૂ. ૫ કે રૂ. ૬ અને ફૂલ કપ માટે રૂ. ૧૦-૧૨ નક્કી કરવામાં આવે.'

ભાજપના રાજુ ઐયરે કહ્યું કે, 'અમે હાલ હજુ અંતીમ ડ્રાફટ પ્રપોઝલ માટે રાહ જોઈ રહ્યા છે. જો તેમ છતા ચાના ભાવ વધારે પડતા જ નક્કી કરવામાં આવશે તો અમે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિચારીશું.' ખુદ વડાપ્રધાન મોદીના પૈતૃક ગામ વડનગર જે મહેસાણા લોકસભા વિસ્તારમાં આવે છે ત્યાં પણ બંને પક્ષો ચાના ભાવ ફકત ફૂલ કપ માટે રૂ. ૮ નક્કી કરવામાં આવતા વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો માત્ર ફૂલ કપની જગ્યાએ અડધી ચા માટે રૂ.૪ની જોગવાઈ કરવા માટે પણ માગણી કરી રહ્યા છે. મહેસાણા ભાજપના લિગલ સેલના કન્વિનર કિરિટ કંસારાએ કહ્યું કે, 'અમે પ્રપોઝડ ભાવ આપ્યા હતા જે હજુ કલેકટરે સ્વીકાર્યા નથી.'

(10:23 am IST)