Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ના રોડ શોને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરાઈ

૩૦મીએ ગાંધીનગરમાં જોરદાર રોડ શો કરશે : ઢોલ-નગારાં સાથે પ્રમુખ અમિત શાહ ગાંધીનગર કલેક્ટર ઓફિસ પહોંચશે : મુખ્યમંત્રી સહિતના નેતા હાજર રહેશે

અમદાવાદ,તા. ૨૬ : ગાંધીગનર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તા.૩૦મી માર્ચે ઉમેદવારીપત્ર ભરવા ગાંધીનગર આવશે. આ દરમ્યાન તેઓ ગાંધીનગરના ભાજપ કાર્યાલયથી સવારે ૧૦.૦૦ વાગ્યાથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી રોડ શો કરશે. જેમાં ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે. બપોરે ૧૨-૩૯ ના વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારીપત્ર ભરશે. જે દરમ્યાન રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહે તેવી પૂરી શકયતા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત અને ખાસ કરીને તેમના ઉમેદવારીપત્ર ભરવામાં પ્રદેશ નેતાઓથી માંડીને ગાંધીનગર લોકસભામાં આવતી વિધાનસભાના ધારાસભ્યો અને આગેવાનોને ખાસ વ્યવસ્થા સોંપવામાં આવી છે. અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવા સમયે યોજાનારા રોડ શોને એક શક્તિ પ્રદર્શન બનાવી દેવા માટે ભાજપના પ્રભારી ઓમ માથુર પણ ગુજરાત આવી ગયા છે. કમલમ્ ખાતે ગાંધીનગર લોકસભા સહિતના પ્રદેશના સ્થાનિક આગેવાનો સાથે બેઠકો કરીને અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવા સમયે વધુમાં વધુ સંખ્યા ભેગી કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અગાઉ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી બાજપાઈ જેવા અનેક દિગ્ગજ નેતાઓ લડી ચૂક્યા છે ત્યારે બેઠક જંગી લીડથી જીત મળે તે માટે નેતાઓ કામે લાગ્યા છે. આ બેઠક માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશ માટે પ્રતિષ્ઠિત બેઠક હોવાથી આ બેઠક પર લડી રહેલા અમિત શાહને જંગી લીડ સાથે જીતાડવા માટે ભાજપના નેતાઓ કામે લાગી ગયા છે. તો બીજી તરફ ગુજરાતની ૨૬ લોકસભા બેઠક પરના ચૂંટણીપ્રચાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પ્રદેશના આગેવાનો અલગ-અલગ સ્થળે સંમેલનો કરી રહ્યા છે. સ્ટાર પ્રચારકોની સભાઓઃ આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા યોજવામાં આવી હતી, તે જોતા ભાજપે ગુજરાતમાં ગાંધીનગર લોકસભાથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે અને ભાજપ તરફી લોકજુવાળ ઉભો કરવાનો જોરદાર પ્રયાસ થઇ રહ્યો છે.

(8:30 pm IST)