Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

સાંજે ગાંધીનગરમાં સેન્‍સના પોટલા ખૂલશે : બે દિ'માં નામ જાહેર થવાની સંભાવના

રાજકીય વાદલડી વરસી રે, સેન્‍સના સરોવર છલી વળ્‍યા, મારા પક્ષ કેરી ટિકીટ રે દાવેદારો માર લેવા હાલ્‍યા, ટિકીટ લઇને વેલા આવજો રે... : ર૬ લોકસભા વિસ્‍તારના અપેક્ષિત આગેવાનોને પાર્લામેન્‍ટરી બોર્ડ સમક્ષ બોલાવાયા : પેનલો બનાવી કેન્‍દ્રમાં મોકલાશે

રાજકોટ તા. ર૭ :.. ગુજરાત ભાજપની ર૬ લોકસભા બેઠકો માટે ગઇકાલે ત્રણ - ત્રણ નિરીક્ષકોએ સેન્‍સ પ્રક્રિયા પૂર્ણ કરી છે. આજે સાંજે ૭ વાગ્‍યે ગાંધીનગર મુખ્‍યમંત્રીના બંગલે પ્રદેશ ભાજપની બેઠક છે. જેમાં દરેક લોકસભા ક્ષેત્રના અપેક્ષિત આગેવાનોને બોલાવવામાં આવ્‍યા છે.

પ્રદેશ ભાજપ દ્વારા તાબડાતોબ સેન્‍સ લેવડાવવામાં આવેલ. આ વખતે ભાજપ માટે ખૂબ સારૂ વાતાવરણ દેખાતુ હોવાથી ભાજપ વતી લોકસભાની ચૂંટણી લડવા અનેક અગ્રણીઓ ઉત્‍સુક છે. કાલે નવી દિલ્‍હીમાં કેન્‍દ્રીય પાર્લામેન્‍ટરી બોર્ડની પ્રથમ બેઠક મળનાર છે. જેમાં ગુજરાતના ઉમેદવારોની ચર્ચા થવાના નિર્દેષ છે. જો કેન્‍દ્રીય પાર્લમેન્‍ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતના ઉમેદવારોની આખરી પસંદગી થઇ જાય તો બે- ત્રણ દિવસમાં ગુજરાતના બધા અથવા મોટાભાગના ઉમેદવારો જાહેર થઇ જવાની સંભાવના છે.

રાજયની તમામ ર૬ લોકસભા બેઠકો ભાજપે પાંચ લાખથી વધુ મતે જીતવાનો સંકલ્‍પ કર્યો છે સેન્‍સ વખતે દરેક બેઠકમાં ચાર થી વધુ નામ આવ્‍યા છે. આજે જે તે શહેર - જીલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારીઓ વગેરે પાર્લામેન્‍ટરી બોર્ડમાં જતા પૂર્વ સ્‍થાનિક કક્ષાની સંકલન સમિતિમાં ચર્ચા કરી અહેવાલ તૈયાર કરશે. નિરીક્ષકો અને જે તે લોકસભા બેઠકના પાર્ટીના પદાધિકારીઓ અહેવાલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડમાં રજૂ કરશે. તમામ બેઠકોના આગેવાનોને સાંજે ૭ વાગ્‍યે બોલાવવામાં આવ્‍યા છે. પાર્લામેન્‍ટરી બોર્ડ મોડી રાત સુધી ચાલે તેવા એંધાણ છે.

પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડ નિરીક્ષકોના અહેવાલના આધારે બેઠક દિઠ ત્રણ - ત્રણ નામોની પેનલ બનાવી કેન્‍દ્રીય બોર્ડ સમક્ષ રજૂ કરશે. ઉમેદવારી પસંદગી રાષ્‍ટ્રીય કક્ષાએથી થશે. સેન્‍સ પ્રક્રિયા માત્ર પરંપરાગત ઔપચારિકતા હોવાનું માનનારો વર્ગ મોટો છે. ગુજરાતમાં અધિકાંશ અથવા તમામ નવા ચહેરા આવે તેવી શકયતા છે.

(11:04 am IST)