Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કોંગ્રેસના નેતાઓ મને નીચે પાડી દેવા માંગે છેઃ પ્રચારમાં મારી અવગણના

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પ્રદેશ નેતાગીરી ઉપર છોડયા તીખા તમતમતા બાણઃ પક્ષે મને એકપણ સભા કરવા ન દીધીઃ મેં મારા બળે ૨૭ સભાઓ યોજી : જો અહેમદ પટેલ હોત તો આજે કોંગ્રેસની આજે આ દશા ન હોતઃ પક્ષના નેતાઓએ મારો ચૂંટણીમાં ઉપયોગ ન કર્યોઃ પક્ષે આત્મમંથન કરવાની જરૂર છેઃ પ્રદેશમાં એક પણ એવા કોંગી નેતા નથી જે ફોન કરીને કહે કે તમે ચિંતા કેમ કરો છો ? કોંગ્રેસના નેતા મને ઉતારી પાડવા માંગે છે પણ હું ફરીથી બેઠો થઈ જઈશ

નવી દિલ્હી, તા. ૨૭ :. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાઓની  ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી પછડાટ બાદ હવે આંતરિક ડખ્ખા ફુંફાડા મારીને બહાર આવી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ (કાર્યકારી પ્રમુખ) હાર્દિક પટેલે દાવો કર્યો છે કે પક્ષે મારા માટે એક પણ જાહેરસભા આયોજીત કરાવી નહોતી. હાર્દિક પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસ પક્ષે મારો ભરપૂર ઉપયોગ કર્યો નથી. તેમણે કહ્યુ છે કે અમારા જ નેતા મને નીચા પાડી દેવા માગે છે. એમને દાવો કર્યો છે કે પ્રદેશ કોંગ્રેસ એકમે સ્થાનિક ચૂંટણી પહેલા મારા માટે એક પણ સભાનું આયોજન કર્યુ નહોતું. હાર્દિકે દાવો કર્યો છે કે છેલ્લા ૧૦ દિવસમાં મેં જે ૨૭ જાહેરસભામાં ભાગ લીધો તે બધી મેં પોતે આયોજીત કરી હતી. મારી તાકાતથી તે યોજી હતી. હાર્દિકે કહ્યુ હતુ કે જો અહેમદ પટેલ હોત તો તેઓ ભાજપને ૨૧૯ બેઠકો વગર ચૂંટણીએ મેળવવા ન દેત. અંગ્રેજી અખબાર ધ ઈન્ડીયન એકસપ્રેસને આપેલી એક મુલાકાતમાં હાર્દિક પટેલે કહ્યુ હતુ કે ગુજરાતમાં વર્ષ ૨૦૧૫માં તાલુકા, જિલ્લા કે નગરપાલિકા કે પછી મહાનગરપાલિકાના પરિણામ ફકત કવોટા આંદોલનને કારણે હતા અને તે કોેંગ્રેસે સ્વીકાર કરવુ પડશે. મારૂ માનવુ છે કે પક્ષ નેતાઓએ એ લોકોને સમજવાની જરૂર છે જેઓ આંદોલનથી આવ્યા છે કારણ કે અમે સતત ફરી રહ્યા છીએ. આજે પણ મારી યાત્રાઓ ચાલુ છે. મારી એક પણ યાત્રા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ નક્કી કરી નહોતી. આમ છતા પક્ષને મજબુત કરવા માટે હું સતત દોડી રહ્યો છું પછી ભલે કોઈ કહે કે ન કહે.

હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતાઓ મને નીચે પાડી દેવા માગે છે. તેઓ આવુ કરતા રહે છે પરંતુ હું ફરીથી ઉભો થઈ જઈશ. ૧૨મી માર્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયો તેને બે વર્ષ પુરા થઈ જશે. હાર્દિક પટેલે કહ્યુ હતુ કે અનેક વખત મેં પક્ષને જણાવ્યુ છે કે જ્યારે હું કોંગ્રેસમાં સામેલ થયો હતો ત્યારે મેં વિચાર્યુ હતુ કે કોેંગ્રેસ મારો ઉપયોગ કરશે. મને લાગે છે કે પ્રદેશ હાઈકમાન્ડ અને રાજ્ય પક્ષ પ્રભારી આવુ કરવામાં નિષ્ફળ રહ્યા. મારી સભાઓ ન યોજી. હું એક દિવસમાં ૨૫ સભાઓ કરવા તૈયાર છું. તમારે મને જણાવવુ જોઈએ આજથી તમારે ૫૦૦ કિ.મી.ની પદયાત્રા કરવાની છે. હું વારંવાર પક્ષને કહું છું કે મને કશું કામ આપો પણ આવુ થતુ નથી.

સુરતમાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલવા બાબતે હાર્દિક પટેલે કહ્યુ હતુ કે પક્ષે મને વધુ સામેલ કર્યો હોત તો સુરતમાં પરાજય રોકી શકાત. હાર્દિકે કહ્યુ હતુ કે પક્ષે મને ૧૯ ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસના એક દિવસ પહેલા સભા કરવા કહ્યું, પરંતુ જ્યારે મેં સાત દિવસ પહેલાની યોજના બનાવી તો તેઓએ મને ના પાડી દીધી હતી.

કોંગ્રેસના આ યુવા નેતાએ બળાપા કાઢતા કહ્યુ હતુ કે જો પક્ષે જણાવ્યુ હોત કે સુરતમાં ૨૫ રેલીઓ કરવાની છે તો તેનુ પરિણામ આ ન આવત. પક્ષે હવે આત્મમંથન કરવાની જરૂર છે અને ખુલ્લેઆમ સ્વીકારવુ પડશે કે તેઓ કયાં નિષ્ફળ રહ્યા ? ગુજરાતના ૬.૫ કરોડ લોકો ભાજપને સ્વીકાર નથી કરતા. ભલે કોઈ માને કે ન માને લોકો ઈચ્છે છે કે જો કોંગ્રેસ લડતી હોય તો તેને વોટ આપશું. હાર્દિકે કહ્યુ હતુ કે એક વાત સ્પષ્ટ છે મિસમેનેજમેન્ટને કારણે ભાજપ ૨૧૯ બેઠકો બિનહરીફ જીતી ગઈ. રાજ્યમાં કોઈ એવા નેતા નથી કે જે ફોન કરે અને કહે કે તમે ચિંતા કેમ કરી રહ્યા છો ? અહેમદભાઈ હોત તો સ્થિતિ ન થાત.

જ્યારે તેમને પૂછાયુ કે તમારી કથીત સજાનો સમય પુરો થયા બાદ શું તમે ચૂંટણી લડશો ? તો હાર્દિકે કહ્યુ હતુ કે કાર્યકારી પ્રમુખ તરીકે જો ૨૦૨૨માં પક્ષ મારો ઉપયોગ કરવા ઈચ્છે તો પણ હું ચૂંટણી લડવા માંગતો નથી. અમે સરકાર રચવા માગીએ છીએ. હું ચૂંટણીનું રાજકારણ રમવા આવ્યો નથી, હું સરકાર રચવા આવ્યું છું.

(11:28 am IST)