Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

૮૦થી વધુ વિસ્તારમાં પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ

રાજય સરકાર દ્વારા તાત્કાલિક અમલવારી શરૂ : આ વિસ્તારોમાં હવે કોઇપણ મિલકત વેચાણ અથવા તો ટ્રાન્સફરો માટે કલેકટરની લીલીઝંડી ફરજિયાત જ રહેશે

અમદાવાદ,તા. ૨૭ : તાજેતરમાં જૂની અદાવતમાં ખંભાતમાં પ્રસરેલી ગંભીર હિંસા અને બે કોમના લોકો વચ્ચેની ગંભીર જૂથ અથડામણના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, જેના કારણે રાજય સરકારના ગૃહવિભાગે તાકીદના નિર્ણયના ભાગરૂપે ખંભાતમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરી દીધો છે. સરકાર દ્વારા ખંભાતના ૮૦થી વધુ વિસ્તારોમાં આગામી પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. જેને પગલે હવે વિસ્તારોમાં કોઇપણ સ્થાવર સંપત્તિને વેચાણ કે ટ્રાન્સફર કરતાં જિલ્લા કલેકટરની મંજૂરી લેવી ફરજિયાત બનશે. રાજય સરકાર દ્વારા ભવિષ્યમાં આવી કોમી હિંસાની ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેવા ઉમદા આશયથી ખંભાતમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.

        ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તા. ૨૩ ફેબ્રુઆરીએ ખંભાતમાં બે કોમના જૂથ વચ્ચે જૂની અદાવતને લઇ ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સામ-સામે પથ્થરમારો અને વાહનો-મકાનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી. હવે ફરીથી આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તે માટે શહેરમાં કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ખંભાતના ૮૦થી વધુ વિસ્તારમાં ૫ાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરી દીધો છે. અગાઉ પણ ખંભાતમાં હિંસાની નાની મોટી ઘટનાઓ સામે બની હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત સરકાર સમક્ષ થઇ રહી હતી. રજુઆતોને ધ્યાનમાં રાખીને અને હિંસાને અટકાવવા માટે અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. અશાંત ધારો તા.૨૬ ફેબૃઆરી ૨૦૨૦થી લાગુ કરી દેવામાં આવ્યો છે જે આગામી ૨૫ ફેબૃઆરી ૨૦૨૫ એટલે કે પાંચ વર્ષ સુધી રહેશે. અશાંત ધારો લાગુ હોય તે વિસ્તારમાં કોઇ પણ સ્થાવર સંપત્તિને ટ્રાન્સફર કરતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા ખંભાતના પીરાજપુર, અંબા માતાની ખડકી, કસાઈ વાડ, મોહનપુરા, શેખવાડી, વસાર વાડ, જૂની મંડળી, પીપળા શેરી, પટેલની શેરી, ધુ્રવની પોળ અને નવી ખડકી સહિત ૮૦થી વધુ ક્ષેત્રોમાં અશાંત ધારો લાગૂ કરવામાં આવ્યો છે.

(8:54 pm IST)