Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ચર્ચાસ્પદ માસિક ધર્મ વિવાદ વિધાનસભા ગૃહમાં ઉછળ્યો

યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ : પ્રશ્નોતરી દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહમાં માસિક ધર્મનો વિવાદ ગુંજતા કોંગ્રેસના સભ્યો દ્વારા ભારે હોબાળો

અમદાવાદ,તા. ૨૭ : કચ્છની રાજધાની ભુજમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. મામલો આજે પ્રશ્નોતરી દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુંજ્તા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવી સરકાર પર દેકારો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાએ મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે સરકાર પર આક્ષેપ કરીને સરકારની નીતિ સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. જો કે મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉત્તર આપીને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરાઈ હોવાની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, તા.૧૧ ફેબ્રુઆરીએ વસ્ત્રો ઉતરાવીને છાત્રાઓના માસિક ધર્મની ચકાસણી કરાયાની શરમજનક અને ક્રૂર હરકતથી રાજયકક્ષાએ ખળભળાટ મચી ગયો હતો.

      બનાવને ગંભીરતાથી લઇ રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ દોડી ગઈ હતી. ડિવિઝન પોલીસે પ્રિન્સિપાલ, કો-ઓર્ડિનેટર અને શિક્ષક, પ્યુન સામે નામ જોગ ફરિયાદ નોંધી બે દિવસના રિમાન્ડ પર લીધા હતા. કોલેજના સંચાલકોએ સંસ્થાના માસિક ધર્મ પાળવાના નીતિ-નિયમોમાં ફેરફાર કરવાની રાષ્ટ્રીય મહિલા આયોગને લેખિત ખાતરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર પ્રકરણમાં પોલીસ અને તંત્ર દ્વારા યોગ્ય અને તટસ્થ કાર્યવાહી કરાઇ હોવાનો જવાબ આપી ગૃહને તમામ વિગતોથી વાકેફ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો અને અન્ય જુદા જુદા વર્ગોને આવરી લેવામાં આવ્યા હતા. આજે બજેટ સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં જુદા જુદા વિષયો ઉપર પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગો દ્વારા જવાબો અપાયા હતા.

(8:49 pm IST)