Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નડિયાદ તાલુકાના બિલોદરામાં મધરાત્રે ત્રાટકેલી વાહનચોર ટોળકીએ એક જ સોસાયટીને નિશાન બનાવી 6 બાઇકલની ચોરી કરી રફુચક્કર

નડિયાદ:તાલુકાના બિલોદરામાં આવેલ સાંઈદર્શન સોસાયટી-૨ ગત સોમવારના રોજ મોડી રાત્રીના સમયે વાહનચોર ટોળકી ત્રાટકી હતી અને માત્ર ગણતરીના કલાકોમાં ૬ મોટર સાઈકલની ચોરી કરી લઈ ગયાં હતાં. જો કે રાત્રીના સમયે ઘોર નિંદ્રામાં મગ્ન બનેલા સોસાયટીના રહીશોને આની ભનક પણ લાગી ન હતી. આ સોસાયટીમાં મકાન નં ૨૦ માં રહેતાં રણજીતસિંહ ગોતાભાઈ સોઢા બીજા દિવસે વહેલી સવારે ઊંઘમાંથી જાગ્યા બાદ નાહીધોઈ પરવારી ઘર બહાર નીકળ્યાં હતાં. તે વખતે તેઓએ પોતાનું બજાજ પલ્સર બાઈક નં. જીજે-૦૭, ઈબી-૧૧૫૫ને પોતે પાર્ક કરેલી જગ્યા પર ના જોતાં ચોંકી ઉઠ્યાં હતાં. તેઓએ વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં ઘર નજીક તેમજ આસપાસના વિસ્તારોમાં પોતાના બાઈકની શોધખોળ હાથ ધરી હતી. અવાજ આવતાં સોસાયટીના રહીશો ઊંઘમાંથી જાગી ઘર બહાર આવી ભેગા થયાં હતાં. સોસાયટીમાં રહેતાં શૈલેષભાઈ કનુભાઈ પટેલ, મનસુખલાલ સવજીભાઈ ગોટી, મિથુનકુમાર સુરેશભાઈ પટેલ, બળદેવજી છનાજી મહેરા અને ભુમિતકુમાર વિજયભાઈ મિસ્ત્રીના બાઈક પણ પાર્ક કરેલી જગ્યા પર જોવા મળ્યાં ન હતાં. જેથી સોસાયટીમાં ભેગા થયેલા રહીશોએ આસપાસની સોસાયટી તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં બાઈકોની શોધખોળ હાથ ધરી હતી. જો કે આજદિન સુધી કોઈ બાઈકનો પત્તો લાગ્યો ન હતો. આખરે રણજીતસિંહ ગોતાભાઈ સોઢાએ નડિયાદ પશ્ચિમ પોલીસમથકમાં કુલ રૂ.૧.૩૦ લાખની કિંમતના ૬ બાઈકો ચોરાયા હોવા અંગેની ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે અજાણ્યાં વાહનચોર ટોળકી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:43 pm IST)