Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ગાંધીનગર: ટીટોડાની હાઈસ્કૂલમાં ધો 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકના રોષનું ભોગ બનવું પડ્યું:નોટબુકમાં ન લખતા પીઠ પર ઢોરમાર મારતા ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

ગાંધીનગર: શહેરની એક શાળામાં શાળામાં વિદ્યાર્થી શિક્ષા મેળવવા જાય છે પરંતુ ઘણી વખત વિદ્યારૂપી શિક્ષાના બદલે બાળકને શિક્ષક તરફથી સજારૂપી શિક્ષા આપવામાં આવે છે. ટીંટોડાની હાઇસ્કુલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષકના રોષનો ભોગ બનવું પડયું છે. એટલું જ નહીં શિક્ષિકાએ સોટી વડે વિદ્યાર્થીને પીઠ ઉપર ઢોર માર મારતાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો છે.

ટીંટોડામાં રહેતો બજરંગ કાનાજી ઠાકોર નામનો ધોરણ-૯નો વિદ્યાર્થીઓ આજે હિન્દીના તાસ વખતે શાળામાં બેઠો હતો ત્યારે શિક્ષિકા વસંતીબેન પટેલ ભણાવતાં હતાં. ત્યારે પેન નહીં હોવાના કારણે બજરંગ પોતાની નોટબુકમાં કાંઇ લખતો ન હતો. આ અંગે વસંતીબેન બજરંગને પુછ્યું હતું કે, કેમ લખતો નથી ? ત્યારે મારી પાસે પેન નથી તેવો જવાબ આપતાં શિક્ષિકા વસંતીબેન રોષે ભરાયા હતાં અને સોટી વડે બજરંગને ઢોર માર માર્યો હતો. પીઠના ભાગમાં ખુબ જ સોટીઓ મારી હોવાના કારણે બજરંગ રોવા લાગ્યો હતો.

જે અંગે બજરંગના વાલી તેના કાકાને આ બાબતની જાણ થતાં તેઓ તાત્કાલિક શાળાએ ધસી આવ્યા હતાં. શિક્ષિકાની સોટીથી પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતાં બજરંગને સારવાર આપવી પડે તેમ લાગતાં તાત્કાલિક બજરંગને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને મારવો તે અપરાધ છે તેમ છતાં નાની એવી ભુલના કારણે વિદ્યાર્થીને આ ઢોર માર મારનાર શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે તો જોવું જ રહ્યું .

(5:39 pm IST)