Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રાજ્ય સરકાર દ્વારા આગામી બજેટમાં પર્યાવરણ બચાવવા માટે બજેટની પ્રિન્ટેડ કોપીઓ ન છપાવવા નિર્ણયઃ ડિઝીટલ કોપીઓ અપાશે

ગાંધીનગર : ગુજરાત સરકારનું વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષનું બજેટ રજૂ થયું છે. જેમાં ગરીબ વર્ગથી લઈને ખેડૂત વર્ગ, મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તો ગુજરાતના નાગરિકોના માથા પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન નાંખીને રૂપાણી સરકાર ફેવરિટ બની ગઈ છે. પરંતુ બજેટ બાદ સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી જે જાણીને ખુશ થઈ જવાશે. આગામી બજેટમાં પર્યાવરણ બચાવવા માટે બજેટની પ્રિન્ટેડ કોપીઓ ન છાપવાનો નિર્ણય લેવાયો છે. કાગળનો બચાવ કરવા માટે ધારાસભ્યોને ડિજીટલ કોપી આપવામાં આવશે. આમ, ગો ગ્રીન સંદર્ભે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં નાણામંત્રી નીતિન પટેલે તેની જાહેરાત કરી હતી.

કોંગ્રેસે સહમતી દર્શાવી ન હતી

આગામી વર્ષથી ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લાગુ કરવામાં આવશે. જોકે, બજેટની કોપી ડિજીટલ કરવાનો પ્રપોઝલ આ વર્ષના બજેટમાં જ મૂકવામાં આવ્યું હતું. જેમાં શાસક પક્ષ ભાજપના ધારાસભ્યોએ સહમતી આપી હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ આ મામલે સહમતી દર્શાવી ન હતી. તેથી તમામ કોપી પ્રિન્ટેડ કરવામાં આવી હતી. આ મામલાને જોતા હવે આગામી વર્ષથી કોપી ડિજીટલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો તથા વિધાનસભા સચિવાલયમાં આપવા પૂરતી જ કોપી આગામી વર્ષે છપાવવામાં આવશે. જ્યારે કે, ભાજપના ધારાસભ્યોને ડિજીટકલ કોપી આપવામાં આવશે. 

કાગળ બચશે

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બજેટની અંદાજિત 1400થી 1500 કોપી પ્રિન્ટ કરવામાં આવે છે. ત્યારે આગામી વર્ષથી આ કોપી અંદાજે 100 જેટલી છપાવાશે. જેથી 10 ટન જેટલો કાગળને બચાવી શકાશે. હવે બજેટની પ્રિન્ટેડ કોપી માત્ર કોંગ્રેસના સભ્યોને આપવાની રહેશે. 10 ટન કાગળના બચાવ કરવા ભાજપના ધારાસભ્યોને ડિજિટલ કોપી આપવામાં આવશે.

(4:38 pm IST)