Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વેપાર-ઉદ્યોગના ૭૭૫૨૩ એકમો પાસેથી સરકારે ૪૮૪૩૯ કરોડ વસુલવાના બાકી

૯૦૩૭ એકમો પાસેથી વેચાણ વેરા-જીએસટીના રૂ. દસ - દસ લાખથી વધુ લેણા

ગાંધીનગર, તા. ૨૭ :. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં નાણામંત્રીએ વેપાર ઉદ્યોગ ક્ષેત્રના એકમો પાસેથી લેવાના થતા નાણા અંગે આંકડાકીય માહિતી આપી હતી.

સરકારના જવાબ મુજબ ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ની સ્થિતિએ સેલટેક્ષ - વેટ અને જીએસટીની વસુલાત બાકી હોય તેવા અને ૧૦ લાખથી વધુ રૂપિયા વસુલવાના હોય તેવા એકમોની સંખ્યા ૬૫૮૯ હતી તે ૩૧-૧૨-૨૦૧૯ની સ્થિતિએ વધીને ૯૦૩૭ થઈ છે. આવા કુલ એકમોની સંખ્યા ૭૭૫૨૩ છે. ગઈ ૩૧ ડીસેમ્બરની સ્થિતિએ ૪૮૪૩૯.૬૦ કરોડ રૂપિયા વસુલવાના બાકી છે.

એક તરફ ગુજરાતનું દેવુ ૩ લાખ કરોડને વળોટી જવા તરફ છે. બીજી તરફ ઔદ્યોગીક એકમો પાસેથી જંગી રકમ વસુલવા પાત્ર છે. રૂ. ૧૦ લાખથી વધુ બાકી હોય તેવા એકમોની સંખ્યા જિલ્લાવાર જોઈએ તો જામનગરમાં ૨૧૦, જૂનાગઢમાં ૧૧૯, પોરબંદરમાં ૨૫, ગીર સોમનાથમાં ૪૨, દ્વારકામાં ૩૨, અમરેલીમા ૮૬, સુરેન્દ્રનગરમાં ૧૮૨, બોટાદમાં ૧૬, મોરબીમાં ૬૮૩નો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં ૬૦૬૯ એકમો પાસેથી સરકારે ૧૪૪૮ કરોડ વસુલવા પાત્ર છે.

(4:03 pm IST)